Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના ખેડૂતોને (Farmers) સ્માર્ટ ફોનની (Smart phone)ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખેડૂતોની હરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક સમૃદ્ધિની દિશા બતાવી છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને ૧.૮૪ લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રીઓ મુકેશ પટેલ, કુબેર ડીંડોર અને દેવા માલમ તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત લાભાર્થી ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએથી સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચુકવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઓનલાઇન અને ડિઝીટલ ટેક્નોલોજીના વધતા વ્યાપની સરાહના કરતાં કહ્યું કે, રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા ર૭ લાખ ૩૦ હજારે પહોંચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે.
મુખ્યમંત્રીએ ખેડૂતો-કૃષિકારોને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવ સહિતની કૃષિવિષયક પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના વધુને વધુ ઉપયોગથી ઝીરો બજેટ-રસાયણમુકત ખેતી તરફ વળવા પણ આહવાાન કર્યુ હતું.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ખેડૂતોની સમસ્યા, પ્રશ્નો રજુઆતો પ્રત્યે સરકાર હંમેશા સકારાત્મક છે. સૌ સાથે મળી રાજ્યના કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે કાર્યરત રહેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. કૃષિ, મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશો મુજબ ‘સ્માર્ટફોન સહાય યોજના’નું ઘડતર અને અમલ કરી ખેડૂતોને ખેતીની સઘળી માહિતી અને જ્ઞાન આંગળીના ટેરવે આપવાનો રાજ્ય સરકારનો આ પ્રયાસ છે. રાજ્ય સરકાર ‘ખેડૂતો સુખી તો દેશ સુખી’ એ મંત્ર સાથે કૃષકો માટે કામ કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર કૃષિ મહોત્સવ, સિંચાઈ યોજનાઓ, જ્યોતિગ્રામ યોજના, બાગાયતી પાકોને પ્રોત્સાહન, એગ્રો બિઝનેસ પોલીસી, આઈ ખેડૂત પોર્ટલ જેવા આગવા પ્રયાસોથી ખેડૂતોને સહાયરૂપ બનતી રહી છે. ‘સ્માર્ટ ફોન સહાય યોજના’ તે દિશામાં સરકારનો વધુ એક પ્રયાસ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિમંત્રીએ આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોને કુદરતી આફતોથી થતા નુકસાન વેળાએ સહાય, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાલાભ વિગેરેની વિશદ છણાવટ કરી હતી. પ્રારંભમાં કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે સૌને આવકારી સ્માર્ટ ફોન સહાય વિતરણ યોજનાની વિશદ ભૂમિકા આપી હતી.
આ પણ વાંચો : બમ-બમ ભોલેના નાદ માટે ભવનાથ સજ્જ, તંત્રએ ટ્રાફિકને પહોંચી વળવા કમર કસી, વાહન લઈને મેળામાં જતાં પહેલાં આ જાણી લો
આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે