ગાંધીનગર: દહેગામમાં 8 યુવકોના ડૂબવાથી મોત મામલે સામે આવી આ ચોંકાવનારી વિગતો- Video
ગાંધીનગર: દહેગામમાં ગતરોજ ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં ન્હાવા પડેલા 8 યુવકોના મોત ડૂબવાથી મોત થયા છે. આ કરુણાંતિકા ઘટી એ ઘટનાસ્થળને લઈને પણ tv9 પાસે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગાંધીનગરમાં દહેગામમાં ગણેશ વિસર્જન સમયે ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગણેશ વિસર્જન માટે ગયેલા વાસમા સોગઠી ગામના એકસાથે 8 યુવાનોના ડૂબવાથી મોત થયા છે. સમગ્ર ઘટનામાં પહેલા એક યુવક ડૂબ્યો હતો અને તેને બચાવવા માટે તેનો મોટો ભાઈ પણ નદીમાં કુદ્યો હતો અને તે પણ ડૂબવા લાગ્યો હતો. આ પ્રકારે એક બાદ બચાવવા પડેલા 10 પૈકી 8 યુવકોના કરૂણ મોત નિપજ્યા છે.
વાસણા સોગઠી ગામ નજીક તૈયાર થઈ રહી છે ડેમ સાઈટ
હાલ આ જ્યાં આ કરુણાંતિકા સર્જાઈ હતી તેને લઈને પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. વાસણા સોગઠી ગામે મેશ્વો નદી નજીક 4 કરોડના ખર્ચે એક ડેમસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે. આ ડેમનુ હાલ કામ ચાલી રહ્યુ હતુ અને વચ્ચેના પટમાં પૂરાણ કરવાનુ બાકી હતી. ત્યાંથી જ પાણીનો ધસારો નદીના પટમાં આવવાને કારણે ત્યાંથી માટી નીચે ધસી ગઈ હતી. પાણીના પ્રવાહમાં માટી ધસી જતા ઉંડાણનો અંદાજ ન યુવકોને ન હતો અને એ જ કારણે યુવકો વહેણમાં ડૂબ્યા હોવાની આશંકા હાલ ગ્રામજનો સેવી રહ્યા છે.
ગણેશ વિસર્જન હોવાથી જ યુવકો નદીએ ગયા હતા- ગ્રામજન
ગામલોકોનું કહેવુ છે કે અહીં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન માટે આ યુવાનો આવ્યા હતા અને એકતરફ વિસર્જનની વિધિ ચાલી રહી હતી અને એક યુવક નદીમાં ન્હાવા પડ્યો હતો. જ્યારે તંત્ર એવુ જણાવી રહ્યુ છે કે યુવાનો વિસર્જન માટે આવ્યા ન હતા તેઓ ન્હાવા માટે આવ્યા હતા. જ્યારે ગામલોકોનું સ્પષ્ટ કહેવુ છે કે તમામ બાળકો ગામના જ છે અને કેટલાય સમયથી નદી તો અહી જ છે. ગણેશ વિસર્જન માટે જ બાળકો નદીએ ગયા હતા અને એ સમયે જ પૂજા ચાલતી હતી ત્યારે એક યુવક ન્હાવા પડ્યો હતો અને તે ડૂબવા લાગતા તેને બચાવવામાં અન્ય યુવકો પણ ડૂબ્યા હતા.
ગણેશ વિસર્જનને લઈને નદીકાંઠે તંત્ર દ્વારા કોઈ જ બંદોબસ્ત ગોઠવાયો ન હતો
સમગ્ર ઘટનામાં સૌપ્રથમ એક જ પરિવારના બે સગાભાઈ જો હતા પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એ બંને ડૂબ્યા હતા. ગામલોકોનું સ્પષ્ટ કહેવુ છે કે યુવકોનો ન્હાવા જવાનો કોઈ પ્લાન ન હતો તેઓ માત્ર વિસર્જન માટે જ નદીએ ગયા હતા અને ગણેશોત્સવ ચાલતો હોવા છતા નદીકિનારે તંત્ર દ્વારા કોઈ બંદોબસ્ત કે કોઈ જ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી ન હતી. અહીં તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે ગણેશ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે છતા કોઈ નદીના પટમાં કેમ કોઈ સુરક્ષાકર્મીને મુકવામાં આવ્યા ન હતા. કેમ કોઈ બચાવ ટૂકડીને તૈનાત રખાઈ ન હતી?
ગામલોકોની હત્તભાગી પરિવારોને વળતર આપવાની માગ
રાજ્યમાં ગણેશ વિસર્જન સમયે ડૂબવાની અનેક ઘટનાઓ બનતી હોવા છતા કેમ આવા સ્થળોએ તરવૈયાની કે ફાયરની ટીમ રાખવામાં આવતી નથી? હાલ વાસણા સોગઠી ગામમાંથી એકસાથે 8-8 આશાસ્પદ યુવાનોની અર્થી ઉઠતા સમગ્ર ગામ શોકમગ્ન બની ગયુ છે. ગામલોકો હત્તભાગી પરિવારોને સરકાર કોઈ વળતર આપે તેવી માગ કરી રહ્યા છે. આ તરફ સાંસદ હસમુખ પટેલે પણ આજે અંતિમયાત્રામાં સામેલ થયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના સ્વજનોને સહાય મળે તે માટે હું સરકારને રજૂઆત કરીશ.
કરુણાંતિકા બાદ તંત્ર દ્વારા જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ
જ્યારે બીજી તરફ કલેક્ટરથી લઈને સમગ્ર તંત્ર એવુ જ પુરવાર કરવામાં લાગેલુ છે કે યુવકો ન્હાવા પડ્યા હતા અને મોત થયા છે, ગણેશ વિસર્જન માટે ગયા ન હતા. ત્યારે સવાલ એ પણ ઉઠે કે શું ગણેશ વિસર્જનને લઈને કોઈ જ તંત્ર દ્વારા નદીના પટમાં કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હતી. તે જવાબદારીમાંથી છટકવા માટે આવુ સાબિત કરવામાં લાગેલુ છે, શું વળતર ન આપવા માટે આવુ કહેવાય રહ્યુ છે. જો કે હાલ જોવુ રહ્યુ કે સાંસદની અપીલ બાદ આ હત્તભાગી પરિવારોને સરકાર દ્વારા કોઈ સહાય રાશિની જાહેરાત થાય છે કે કેમ!
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો