સુરતને (Surat) સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવા માટે પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. એટલું જ નહીં સ્વચ્છતાના (Cleanliness) નામે પણ અનેક એવોર્ડ સુરત મનપાએ મેળવ્યા છે પણ શહેરના કેટલાક સ્લમ વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા ઓરમાયું વર્તન બતાવવામાં આવતું હોય એવું પણ અનેકોવાર જોવા મળ્યું છે.
સુરતના પાંડેસરા, લીંબાયત, ઉધના સહિતના અનેક સ્લમ વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં અહીં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ ન થવાને કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર તો જાણે નરકાગાર સ્થિતિમાં ફેરવાઈ ગયું છે.
નાગસેન નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ચોમાસાના કારણે અહીં પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયા છે અને ત્યાં મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે આ વિસ્તારમાં હવે મચ્છરજન્ય રોગચાળાની પણ દહેશત જોવા મળી રહી છે. માત્ર નાગસેન નગર નહીં પણ અહીં આવેલ ઈન્દિરા નગરની પણ આવી જ હાલત જોવા મળી રહી છે.
એક તરફ કોર્પોરેશન અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોના બ્રિડીંગ શોધીને દંડ ફ્ટકારવાની કામગીરી કરી રહી છે. ત્યાં અહીં યોગ્ય સફાઈ ન થવાના કારણે પાલિકા દ્વારા જ મચ્છરોના ઉપદ્રવને પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
મહત્વની વાત તો એ છે કે એકપણ સ્થાનિક કોર્પોરેટર કે આગેવાન અહીં જોવા આવતું નથી. જો રોગચાળો ફેલાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે. હાલ જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે સ્થિતિ બદથી બદતર બની ગઈ છે. કારણ કે ગંદકીના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી રહે છે.
એટલું જ નહીં પાણીના ખાબોચિયા ભરાઈ જતા મચ્છરોના ત્રાસથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાકીદના ધોરણે અહીં સફાઈ કામગીરી કરવામાં આવે અને લોકોને આ ત્રાસમાંથી છુટકારો આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન
આ પણ વાંચો : Surat: રાષ્ટ્રીય દીવાદાંડી દિવસ નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા હજીરાની દીવાદાંડીને યાદગીરીની ભેટ
Published On - 4:54 pm, Wed, 22 September 21