જુનાગઢમાં ભવનાથમાં અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ અને સાધુઓમાં વર્ચસ્વની સાઠમારી શરૂ થઈ છે. અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ મહેશગીરીએ ગાદી માટેના સહી સિક્કા કરાવી લીધા હોવાનો તનસુખગીરીના શિષ્યોએ આક્ષેપ કર્યો છે. આ તરફ સાધુ સંતોના ગાદી માટેના વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અંબાજી મંદિરના વહીવટદાર કરીતે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે અને ભવનાથના મહંતની સામે થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી છે. અખાડાના લેટર અંગે પણ પોલીસ અને FSLની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કે કેમ તે અંગે રિપોર્ટ મગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર વધુ કાર્યવાહી કરશે.
ભવનાથમાં સાધુઓનો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. હવે આ વિવાદનો ઉકેલ લાવવા ખુદ સરકારે મોરચો સંભાળ્યો છે. વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સરકારના પ્રતિનિધિ તરીકે મહેશગીરી અને હરીગીરી સાથે બેઠક કરી મધ્યસ્થીના પ્રયાસો કર્યા. બેઠક બાદ ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું કે અમે સરકારના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થી કરી છે. તમામ સંતો બધા માટે પૂજનીય છે. આથી વિવાદમાં કોઇ રસ્તો નીકળે અને સુખદ અંત આવે તે માટે બંને સંતોને રજૂઆત કરી છે.
બીજી તરફ મહેશગીરીએ કથિત લેટરના પુરાવા યોજી ફરી હરીગીરી બાપુ પર નિશાન સાધ્યું છે. મહેશગીરીએ જણાવ્યું કે જે પત્રની વાત છે એ સરકારમાં પણ રજૂ કરેલો છે. 4 ઓકટોબર 2021નો આ પત્ર દસ્તાવેજ તરીકે ભવનાથ ડોક્યુમેન્ટની ફાઈલમાં છે. જે ડોક્યુમેન્ટ છે તેમાં પણ પત્ર સામે છે તો પછી તે ખોટો કેવી રીતે હોઇ શકે ? મહેશગીરીએ જણાવ્યું કે હરીગીરીને ગરીબોની હાય લાગી છે, જો તેઓ ગુનો કબૂલી લેશે તો તેમને ઓછી સજા થશે.
મુચકુંદ ગુફાના મંહત મહેન્દ્રાનંદ મહારાજની ધમકીનો પણ મહેશગીરીએ જવાબ આપ્યો. મહેન્દ્રાનંદ મહારાજે તાજેતરમાં મહેશગીરીને કહ્યું હતું કે “ભવનાથ જવું હોય તો પહેલા મુચકુંદ આવે છે એટલું યાદ રાખજો”. જેનો જવાબ આપતા મહેશગીરીએ જણાવ્યું કે આ મારી અને હરીગીરી વચ્ચેની લડાઇ છે, તમારે આ લડાઇમાં વચ્ચે પડવાની જરૂર નથી.