
છોટાઉદેપુર (Chhotaudepur) માં જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ (Students) નો વીડિયો (Video) વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છકડાની ઉપર બેસીને અને લટકીને શાળાએ જવા મજબૂર હોવાનું આ વીડિયોમાં જોઈ શકાય છે. આટલું જ નહીં પણ જે વાહનમાં આ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તેમાં ઉપર લોખંડના સળિયા ભરેલા છે અને તેની ઉપર બાળકો બેસી અભ્યાસ માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે. આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના કવાંટનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ ખાનગી વાહનોમાં આ રીતે બાળકોને સ્કૂલે લઈ જનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે સાથોસાથ એસટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ થઈ રહી છે.
કવાંટ તાલુકાના ગામડાઓમાં હાયર સેકન્ડરી અને કોલેજ લેવલના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કવાંટમાં આવતાં હોય છે. આ ગામડાંઓમાં એસટીની સુવિધા ઓછી હોવાથી બાળકોને નાછુટકે ખાનગી વાહનોમાં જીવા જોખને મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે. આ બાળકો પોતાના ગામડાં સુધી આ રીતે વાહનોમાં લટકતાં લટકતાં જાય છે. ગમે ત્યારે તેમાં મોટી દુર્ઘટના થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે એસ.ટી. વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં બસોની સંખ્યામાં મોટો ઘટાડો કરી દીધો છે. હવે લોકો પાસે ખાનગી વાહનો આવી જતાં એસટીમાં મુસાફરી કરતાં લોકોની સંખ્યા ખુબ ઘટી ગઈ છે. જેના કારણે તેના પેસેન્જરોની સંખ્યા એટલી બધી ઘટી ગઈ છે કે બસ ચલાવવામાં મોટું નુકસાન ભોગવવું પડે છે. જે ગામડામાં રોજની 8થી 10 બસો આવતી હતી તેમાં હવે માંડ એક બે બસો આવે છે. જેથી કરીને સ્કૂલે જતાં બાળકોને સોથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓ દ્વારા માગણી કરવામાં આવી છે કે જો સ્કલૂના સમય અનુરુપ સવારે અને બપોરે એક એક બસ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને પરિવહનની સુવિધા મળી શકે તેમ છે. દૂરના ગામડાંમાંથી આ બાળકો અભ્યાસ માટે કવાંટ આવતાં હોવાથી તેમના વાલીઓ દરરોજ તેમને સ્કૂલે લેવા મૂકવા આવી શકે તેમ નથી અને સ્કૂલો દ્વારા પણ આવા વિદ્યાર્થીઓ માટે કોઈ પરિવહનની સુવિધા આપવામાં આવતી નથી. જેથી આવા વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા જ એક માત્ર સહારો છે.