Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ- Video
જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભામાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે તુરંત જૂતું ફેંકનારની અટકાયત કરી હતી.
જામનગરમાંથી જુતાકાંડ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીની સભામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જુતુ ફેંકવામા આવ્યુ હતુ. ગોપાલ ઈટાલિયા ખુદ જ્યારે સભા સંબોધી રહ્યા હતા ત્યારે એક શખ્સ અચાનક આગળ આવ્યો અને પોતાના પગમાંથી જુતુ કાઢીને સીધુ ગોપાલ ઈટાલિયા તરફ ફેંક્યુ હતુ. જો કે જુતુ ફેંકનાર શખ્સને ત્યાં હાજર લોકોએ તુરંત જ પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી રહી હતી. જે બાદ પોલીસે તુરંત તેની અટકાયત કરી છે.
જો કે પોલીસ એ શખ્સને પકડે તે પહેલા સભામાં હાજર લોકો અને આમ આદમી પાર્ટીના ટેકેદારોએ એ શખ્સને ઢોર માર માર્યો હતો. ટોળાએ જુતુ મારનાર શખ્સને માર મારીને અધમુઓ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ મામલે ગોપાલ ઈટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે પોલીસની હાજરીમાં આ બનાવ બન્યો છે તો પોલીસ જ આ શખ્સને લઈને આવી હોય તેવુ બની શકે. આવી આશંકા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વ્યક્ત કરી હતી. આ ઘટનાને પગલે થોડીવાર માટે ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી રોષે ભરાયેલા લોકોએ ખુરશીઓ ફેંકી હતી. બાદમાં પોલીસે બેકાબૂ ભીડ પર નિયંત્રણ કર્યુ હતુ. કોંગ્રેસના કોર્પોરેટર આપમાં જોડાતા હુમલો કરનાર શખ્સ કોંગ્રેસનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને પોલીસે બેકાબૂ ભીડ પર નિયંત્રણ કર્યુ હતુ.
શું હતો સમગ્ર ઘટનાક્રમ?
જામનગરમાં આમ આદમી પાર્ટના રોડ શો બાદ ટાઉનહોલ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તે દરમિયાન અચાનક એક યુવક સભામાં ખુબ નજીક આવીને પોતાનું જુતુ કાઢીને સભા સંબોધી રહેલા ઈટાલિયા તરફ ફેંક્યુ હતુ. જો કે આ બાબતે કોઈ કાયદાકીય લડત આપવાની ઈટાલિયાએ સ્પષ્ટ ના કહી છે પરંતુ જનતાની અદાલતમાં આનો ન્યાય ચોક્કસ થાય તેમ જણાવ્યુ છે.
જો કે હુમલો કરનાર શખ્સની હાલ કોઈ સ્પષ્ટ ઓળખ થઈ શકી નથી. આ શખ્સ કોણ હતો? ક્યાંથી આવ્યો હતો. કોના ઈશારે તેમણે ઈટાલિયા પર જુતાથી હુમલો કર્યો, આવુ કરવા પાછળ શું ઉદ્દેશ્ય હતો અને કોના કહેવાથી તેમણે આવુ કર્યુ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો કે હાલ યુવક અંગે જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.
