શનિવાર-રવિવાર 15-16 અને 22-23 નવેમ્બરે BLO તમારા મતદાન મથકે હાજર રહેશે
આ વિશેષ કેમ્પમાં જે મતદારોને ફોર્મ ના મળ્યું હોય, ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય, કે અન્ય કોઈ કાર્યવાહી કરવાની જરૂર લાગે તો જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.

ગુજરાત સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં હાલ મતદાર યાદીમાં સઘન સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથક ખાતે આગામી શનિવાર અને રવિવાર 15 અને 16 નવેમ્બર તેમજ 22 અને 23 નવેમ્બરના રોજ BLO સવારે 9 થી 1 વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે. મતદાર યાદી સુધારણા ઝુંબેશના ભાગરૂપે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તમામ મતદારો જરૂરી માર્ગદર્શન અને લાભ મેળવી શકશે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR)ની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. મોટાભાગના BLO મતદારોના ઘરેઘરે જઈને ફોર્મ આપી આવ્યા છે. પરંતુ અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ કે ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા મતદારોને ફોર્મ મળ્યા ના હોવાની રજૂઆત મળી હતી.
જેના અનુસંધાને તમામ મતદારો માટે અમદાવાદ જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસર BLO આગામી તા. 15 અને 16 નવેમ્બર શનિવાર અને રવિવાર તેમજ 22 અને 23 નવેમ્બર શનિવાર અને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી મતદાન મથકોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પમાં જે મતદારોને ફોર્મ ના મળ્યું હોય, ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય, કે અન્ય કોઈ કાર્યવાહી કરવાની જરૂર લાગે તો જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખ જાહેર કરી છે. આ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision (SIR) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. અમદાવાદ શહેર-જિલ્લાના 21 વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ના રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આ વિશેષ કેમ્પના કુલ ચાર દિવસ દરમિયાન મતદારો પોતાના સંબંધિત મતદાન મથક પર જઈને BLO એટલે કે બૂથ લેવલ ઓફિસરની મદદથી વર્ષ-2002ની મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકશે તેમજ જો નામ ના હોય અથવા તેમનાં માતા / પિતા / દાદા / દાદીનું નામ પણ વર્ષ-2002ની મતદાર યાદીમાં ના હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું જરૂરી માર્ગદર્શન પણ BLO પાસેથી મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અનેક વિસ્તારોમાં રિડેવલપમેન્ટ કે ડિમોલિશનના કારણે નાગરિકોએ હંગામી સ્થળાંતર કર્યું હોય, BLO દ્વારા ઘરે લેવાયેલ મુલાકાત સમયે મતદાર ઘરે હાજર ના હોય અથવા અન્ય કોઈ પણ કારણસર એન્યુમરેશન ફોર્મ મળ્યું ના હોય, તો આવા તમામ મતદારો ઉપરોક્ત દિવસો દરમિયાન સંબંધિત મતદાન મથક પર જઈ એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે તેમજ ભરેલાં ફોર્મ પરત પણ આપી શકશે.