ભાવનગરના સિહોર તાલુકાના મોટા સૂકમા ગામે સગીરાના આપઘાત કેસમાં સુરતના આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રીને કરી રજૂઆત
Surat: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુકમા ગામે સગીરા દ્વારા પાણીના ટાંકામાં આપઘાત કરી લેતા પરીવારની પડખે સુરતના પાટીદાર યુવાનો આવ્યા છે. આગામી દિવસોમાં મૃતક દીકરીના પરિવારને ન્યાય અપાવવા યુવાનો માદરે વતન જશે અને પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.
ભાવનગર જિલ્લાના મોટા સૂક્મા ગામ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરના પાણીના ટાંકામાં આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ ન હતુ તે સમયે વિદ્યાર્થિનીએ આ પગલુ ભર્યુ હતુ. વિદ્યાર્થિનીનું આપઘાત કરવા પાછળનું જે કારણ સામે આવ્યુ છે તે ઘણુ ચોંકાવનારુ છે. પોતાના જ ગામના યુવકો દ્વારા તેને પરેશાન કરાઈ રહી હોવાની વાત સામે આવી છે. જેમણે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપી તેમને ઝડપી પાડવા માટેના પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. પરંતુ ગામની જ વિદ્યાર્થિની સાથે આ પ્રકારની ઘટના બનતા પરિવાર સહિત ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પરિવારને ન્યાય અપાવવા સુરતના પાટીદાર યુવાનો આગળ આવ્યા
સુરતના પાટીદાર યુવાનો પરિવારની પડખે અને ભાવનગર જિલ્લાના પાટીદાર આગેવાનો જે સુરતમાં રહે છે તે લોકો આગળ આવ્યા છે. ભાવનગર જિલ્લાના અને સુરતમાં રહેતા વિજય માંગુકિયા સાથેના કેટલાક યુવાનો દ્વારા પ્રેરિત વિદ્યાર્થીના પરિવારના પડખે ઊભા રહેવા માટે બેઠકો કરવામાં આવી છે. પોતાના જિલ્લાના સુરતમાં રહેતા લોકોને એકત્રિત કરીને સગીરાને ન્યાય મળે તેના માટે મોટા સુકમા ગામ ખાતે કેન્ડલ માર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતથી 100 કરતાં વધુ ગાડી લઈને સુરતના યુવાનો કેન્ડલ માર્ચ કરીને ભોગ બનનાર સગીરાના પરિવારને આશ્વાસન આપવા જશે.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને તટસ્થ પોલીસ તપાસ માટે કરાઈ રજૂઆત
સુરતમાં રહેતા વિજય માંગુકિયાએ જણાવ્યુ કે સુકમા ગામ ખાતે જે ઘટના બની છે, તે ખરેખર નીંદનીય છે. ગામના જ કેટલાક યુવાનો આ રીતે વિદ્યાર્થિનીઓની પાછળ પડી ને તેમને હેરાન કરી રહ્યા છે. આ બાબત ધ્યાન પર આવે છે. તેને લઈને હવે અમે લડત ચલાવી રહ્યા છીએ. ભોગ બનનાર પરિવારને આર્થિક રીતે તમામ સહાય આપવા માટેના અમારા પ્રયાસ છે અને દીકરીને ન્યાય મળે તેના માટે અમે લડત શરૂ કરી રહ્યા છે.
ગામમાં અશાંતિનો માહોલ ઉભો ન થાય તેના માટે પણ અમે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોઈ એક ચોક્કસ વર્ગના યુવાનો દીકરીઓની પાછળ પડે છે અને તેમને હેરાન કરી રહ્યા છે. આ બાબતે કિરણ હોસ્પિટલના આગેવાન મથુર સવાણીએ પત્ર લખી મુખ્યમંત્રીને આ કેસની રજૂઆત કરી છે. જેમા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ કરાઈ છે.
આ સાથે જે ભાવનગર જિલ્લાના પાટીદાર આગેવાનો જે સુરત ખાતે રહે છે તે લોકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સુરતની ઓફિસ ખાતે મળવા માટે પહોંચ્યા હતા અને એક આવેદનપત્ર આપી ભાવનગર જિલ્લાની અંદર દુઃખદ ઘટના બની છે, તેની તટસ્થ પોલીસ તપાસ કરે તે માટે રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ પણ આ બાબતે તાત્કાલિક ભાવનગર જિલ્લાના આઇજીને ફોન કરી સૂચના પણ આપી દેવામાં આવી હોય તેવું જણાવ્યું હતું અને કડકમાં કડક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે તે આશ્વાસન આપવામાં આવ્યું છે.