ભાવનગર: પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદિરમાં વિવાદ વકરતા ગૃહ વિભાગે તાબડતોબ બોલાવી બેઠક, SP અને IG રેન્જના અધિકારીઓ સાથે કરી ચર્ચા
Bhavnagar: પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો છે. મંદિરને લઈને પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. મંદિર બહાર પેઢીએ સીસીટીવી મુકતા શિવ મંદિરના પૂજારીએ તોડફોડ કરી હતી.
ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી પર્વત પરના નિલકંઠ મહાદેવના મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો છે. સમગ્ર વિવાદને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ SP અને IGની બેઠક બોલાવી છે. જેમાં વિવાદ અંગે ચર્ચા હાથ ધરાશે. સમગ્ર વિવાદની વાત કરીએ તો, શેત્રુંજી પર્વત પરના નિલકંઠ મહાદેવ મંદીરને લઈ મંદીરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈને તેમના કર્મચારીને મુકવા માંગતા હોવાનો આરોપ છે. મંદિર બહાર પેઢીએ CCTV મુકતા શિવ મંદિરના પૂજારીએ તોડફોડ કરી હતી. જેને પગલે પેઢીએ મંદિરના પૂજારી અને તેના સાથીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મંદિર વિવાદ ગૃહ વિભાગ સુધી પહોંચ્યો
જોકે આ મામલે અગાઉ બંને વચ્ચે સમાધાન થઈ ચુક્યું છે. પરંતુ મંદિરની બહાર પેઢીએ સીસીટીવી કેમેરા મુકતા મંદિરના પુજારી અને તેમના સાથીદારોએ તેમાં તોડફોડ કરી હતી. આ તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મંદિરનો વિવાદ હવે ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે આ અંગે બેઠક બોલાવી હતી. જેમા IG અને SP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર મામલો ધાર્મિક લાગણી સાથે જોડાયેલો હોવાથી પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગ ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આઈજી અને એસપી રેન્કના અધિકારીઓ જોડાયા હતા. આખરે આ ઘટનાનું મૂળ કારણ શું હતુ તેને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.