ગુજરાતમાં એક દિવસમાં અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ
બિપોરજોય વાવાઝોડાએ કચ્છ બાદ સૌથી વધુ વિનાશ બનાસકાંઠામાં વેર્યો છે. તોફાની પવનોએ બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યું છે. ક્યાંક મકાનના પતરા ઉડ્યાં તો ક્યાંક ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા છે.
Banaskantha : બિપરજોય વાવાઝોડાનો (Cyclone Biparjoy) ખતરો ગુજરાત પરથી પસાર થઈ ચુકયો છે, જો કે તેની અસર હજુ પણ અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે. રાજ્યમાં એક દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં એક ઇંચથી લઇને પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં એક ઇંચથી લઇને પાંચ ઇંચ સુધીનો વરસાદ
ગુજરાતમાં અમીરગઢમાં 3.5 ઈંચ, ખેડબ્રહ્મામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિજયનગરમાં 3 ઈંચ, પોશીનામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. તો વડાલીમાં 1.5 ઈંચ, ઈડર અને સતલાસણામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠાના અંબાજીમાં હજુ પણ પવન સાથે ધોધમાર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજીના બજારોમાં ચોતરફ પાણી ભરાઈ ગયા છે. અંબાજીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. વેપારીઓ, રાહદારીઓ વરસાદને લઈ પરેશાન છે.
બિપોરજોય વાવાઝોડાએ કચ્છ બાદ સૌથી વધુ વિનાશ બનાસકાંઠામાં વેર્યો છે. તોફાની પવનોએ બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યું છે. ક્યાંક મકાનના પતરા ઉડ્યાં તો ક્યાંક ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા છે. ક્યાંક આખેઆખા રોડ પાણીમાં ગરકાય થયાં છે, તો ક્યાંક રેલવેના પાટા રફેદફે જોવા મળ્યા. ધાનેરામાં ભારે પવનના પગલે એક વ્યક્તિ સહિત 20 પશુઓના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના,જુઓ Video
જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રેલ નદીનું પાણી ધાનેરા અને થરાદના ગામોમાં ફરી વળ્યું. બેટમાં ફેરવાતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. આ તરફ ડીસામાં ભારે વરસાદથી શાળાના પતરા ઉડ્યા હતા. તો ડેરીની દીવાલ પણ ધરાશાયી થઇ. તો અમીરગઢના વીરમપુર નજીક નાળુ તૂટતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા. મહત્વપૂર્ણ છે કે ધાનેરા, થરાદ, ડીસા, અમીરગઢ પંથકમાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ઉભા પાકને પારાવાર નુકસાન થવાની ભીતી છે.
બનાસકાંઠા સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો