અમરેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડના કાપા મારવા અંગે થયો મોટો ખૂલાસો, એક સપ્તાહ પહેલાની ઘટના શાળાએ છુપાવી હોવાના થયા આક્ષેપ
અમરેલીના બગસરાના મૂંજિયાસર ગામની શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી શા માટે કાપા માર્યા તેને લઈને મોટો ખૂલાસો થયો છે. તો બીજી તરફ આ ઘટના આજકાલની નહીં પરંતુ એક સપ્તાહ પહેલાની છે અને શાળા દ્વારા ઘટનાને છુપાવવાનો પ્રયાસ થયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

અમેલીના બગસરાના મૂંજિયાસર ગામની શાળામાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા મારવાની ઘટના સામે આવી છે. જે મામલે મોટો ખૂલાસો થયો છે કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા અને તેમા ચેલેન્જના ભાગરૂપે પોતાના જ હાથમાં બ્લેડના કાપા માર્યા છે. આ અંગે તપાસમાં ખૂલાસો થયો છે કે વિદ્યાર્થીઓએ એકબીજા સાથ શરત રાખી હતી જો હાથ પર બ્લેડના કાપા મારે તો તેને 10 રૂપિયા આપવા નહીં પડે. અને જે ચેલેન્જ ન સ્વીકારી શકે તેણે 10 રૂપિયા આપવાના. જેમાં એક બાળકે તેના સાથી વિદ્યાર્થીને હાથ પર બ્લેડના કાપા મારવા માટે 10 રૂપિયા આપવા સુધીની ઓફર કર્યાની જાણકારી પણ મળી રહી છે.
આ સમગ્ર ઘટના અંગે પણ ચોંકાવનારો ખૂલાસો થયો છે. આ ઘટના એક સપ્તાહ પહેલાની છે અને શાળા દ્વારા ઘટનાને છુપાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. આખરે મીડિયાના માધ્યમથી ઘટના સામે આવી જતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.
જો કે સૌથી મોટો સવાલ અહીં શાળા સામે ઉઠી રહ્યો છે કે શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લાવીને આ પ્રકારની ઓનલાઈન ગેમ રમે છે ત્યાં સુધી શાળાનું તંત્ર શું કરતુ હતુ? વિદ્યાર્થીઓને શાળામાં એટલો સમય કેવી રીતે મળી શક્યો કે તેઓ આ પ્રકારની ગેમ રમી શકે? શું શાળામાં વિદ્યાર્થીઓ ગેમ રમવા જાય છે કે ભણવા માટે જાય છે? વિદ્યાર્થીઓ રિશેષમાં ગેમ રમતા હોય તો પણ શાળામાં મોબાઈલ લાવવાની વિદ્યાર્થીઓને પરવાનગી કોણે આપી? આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોન લઈને આવતા હતા તો શું શાળાને એ વાતની જાણ જ ન થઈ કે વિદ્યાર્થીઓ ફોન લઈને આવે છે? જો કે આ ઘટનામાં ન માત્ર શાળા પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓ એટલા જ જવાબદાર છે અને તેમની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેમના સંતાનોને તેઓ શા માટે શાળામાં મોબાઈલ લઈ જવાની છૂટ આપતા હતા. આટલા નાના વિદ્યાર્થીઓને તેમણે મોબાઈલ શા માટે આપ્યા હતા?
“આ ઘટનાને કેસ સ્ટડી તરીકે લઈ સખત ગાઈડલાઈન બનાવાશે”
સમગ્ર ઘટના અંગે શિક્ષણ મંત્રી દ્વારા શાળા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે કે આ પ્રકારની ઓનલાઈન ગેમ બાળ માનસ માટે ઘણી જોખમ છે અને બાળકોને આવી ગેમથી બચવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યુ કે આ ઘટનાને એક કેસ સ્ટડી તરીકે લઈને બીજીવાર આવી કોઈ ઘટના ન ઘટે તે સુનિશ્ચિત કરવામાં આવશે અને શાળામાં મોબાઈલ ન લાવવા માટે એક ગાઈડલાઈન પણ બનાવવામાં આવશે.
“બાળકોના હાથમાં રહેલો મોબાઈલ રિવોલ્વર જેટલો નુકસાનકારક”
અમરેલીની ઘટના અંગે મનોચિકિત્સક ડૉ.પ્રશાંત ભીમાણીએ જણાવ્યુ કે ધ્યાન કેન્દ્રિત કરવા, રોફ બતાવવા નાના બાળકોમાં કંઈક અલગ કરવાની વૃત્તિ હોય છે. ઘણાં સંજોગોમાં ભય અને લાલચને વશ થઈ બાળકો આવી પ્રવૃત્તિ કરે છે. આવી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ક્રિનની અસર થાય છે. બાળકોના હાથમાં રહેલો મોબાઈલ રિવોલ્વર જેટલો નુકસાનકારક છે. જીદ્દી બાળકોને શાંત કરવા માટે મોબાઈલ આપવો સૌથી વધુ ઘાતક છે. માતા-પિતા મોબાઈલ ઓછો કરશે તો બાળકો પણ કરશે. બાળકો, વાલીઓમાં સાયકોલોજિકલ અવેરનેસ આવે તેવી વ્યવસ્થા કરાય તે જરૂરી છે.
જુઓ Video
સમગ્ર રાજ્ય માટે ચિંતા રૂપ અને ચેતવણી રૂપ કિસ્સો: મનિષ દોશી
આ તરફ કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ મનિષ દોશીએ ઘટનાને ચિંતાજનક અને ચેતવણીરૂપ કિસ્સો ગણાવ્યો છે. તેમનુ કહેવુ છે કે સમયસર ખબ પડી જતા બાળકો બચી ગયા નહીં તો જીવ પણ જોખમમાં મુકાઈ શકતા હતા. વધુમાં તેમણે કહ્યુ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણ સાથે અન્ય પ્રવૃતિમાં જોડાય તેવા પ્રયત્નો થવા જોઈએ. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ભાર મુકાય તે સૌથી વધુ જરૂરી છે. માત્ર પરિપત્ર કરવાથી કંઈ નહીં થાય, સામૂહિક પ્રયત્ન કરવા જરૂરી છે.
ઓનલાઈન ગેમના દૂષણ મુદ્દે સરકાર ગંભીર નહીં: કિરીટ પટેલ
આ તરફ પાટણના કોંગ્રેસના ધારાસભ્યે જણાવ્યુ કે કાયદો બનાવી આ પ્રકારની ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકાવો જોઈએ. મોબાઈલ અને ઓનલાઈન ગેમના કારણે બાળકોના મગજ પર ખરાબ અસર થાય છે આથી આ પ્રકારની છેતરપિંડી જેવી ઓનલાઈન ગેમ સામે કડક પગલા લેવાય તે અત્યંત જરૂરી છે તો તેમણે એ પણ ટકોર કરી કે સરકાર ઓનલાઈન ગેમના દૂષણ મુદ્દે ગંભીર નથી.
હાલ આ ઘટના સામે આવ્યા બાદ PI અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ શરૂ કરી છે. તપાસના અંતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. અમરેલીની આ ઘટનાને બ્લુ વ્હેલ ગેમની યાદ અપાવી દીધી છે. આ ગેમમાં પણ લોકોને પોતાની જાતને નુકસાન પહોંચાડવા અને જીવ જોખમમાં મૂકે તેવા ટાસ્ક આપવામાં આવતા હતા. તે એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે અમરેલીના બગસરામાં આ વિદ્યાર્થીઓ કઈ ગેમ રમી રહ્યા હતા તે તપાસનો વિષય છે.
Input Credit- Kinjal Mishra, Rahul Bagda, Narendra Rathod