Amreli : નવ જીવન મળ્યા બાદ ઉદ્યોગપતિએ ગામનું ઋણ ચુકવવા લીધો સંકલ્પ, ગામની દશા બદલવા આ કામગીરી હાથ ધરી
અમરેલીના (Amreli) દુધાળા ગામના વતની ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ નવી જિંદગી મળી છે. જે બાદ તેમણે ગામ માટે કંઈક કરી કરવાનો સંકલ્પ કર્યો.
અમરેલી (Amreli) જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા (Businessman Govindbhai Dholakia) પોતાની બિમારીમાંથી સાજા થયા અને નવો અવતાર મળ્યો છે એમ સમજી પોતાના જ ગામ માટે એક એવો સંકલ્પ કર્યો કે મારે મારા ગામને સોલાર એનર્જીથી મઢી લેવું છે અને આ નિર્ણયને પરિવારે વધાવીને દુધાળા ગામમાં સોલાર એનર્જી (Solar energy)થી મઢવાનું કામ શરૂ કર્યું. હજુ દુધાળા ગામમાં 50 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. આવનારા દિવસોમાં સમગ્ર ગામમા સોલાર સિસ્ટમથી સજ્જ થઈ જશે અને સમગ્ર ગામ સોલાર સિસ્ટમથી ઝળહળી ઉઠશે.
લાઠી તાલુકાના દુધાળા ગામના વતની ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ નવી જિંદગી મળી છે. જે બાદ તેમણે ગામ માટે કંઈક કરી કરવાનો સંકલ્પ કર્યો. ગામને સોલાર એનર્જીથી સજ્જ કરવાનો ગોવિંદભાઇ ધોળકિયાએ નિર્ણય લીધો. ધોળકિયા પરિવારે આ સંકલ્પને વધાવી લીધો અને પોતાના જ ગામમાં આવેલા 300 મકાનોમાં પોતાના ખર્ચે સોલર એનર્જીથી મળવાનું કામ શરૂ કર્યું. હાલમાં દુધાળા માં 160 મકાનો ઉપર સોલાર સિસ્ટમ ફીટ કરી દેવાઈ છે અને અન્ય મકાનો પર પણ આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
ગોવિંદભાઇની આ સરાહનીય કામગીરી બદલ ગ્રામજનો તેમનો આભાર માની રહ્યા છે. ગ્રામજનો આ પરિવારને અભિનંદન અને આશીર્વાદ પાઠવતા કહે છે કે, હવેથી અમારે વીજબિલમાં પૈસાની બચત થશે, જે અમારા બાળકોના અભ્યાસ કે અન્ય ખર્ચ પાછળ વાપરી શકાશે. ધોળકિયા પરિવાર એવી અપેક્ષા રાખે છે કે અમારામાંથી પ્રેરણા લઈને અનેક ઉદ્યોગપતિઓ પોતાના ગામ માટે કંઈક કરે તો ગુજરાત અને દેશમાં એક નવો ચીલો પડે. જેનાથી લોકોને લાભ થશે.
મહત્વની વાત એ છે કે આગામી ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી સમગ્ર ગામ વિનામૂલ્યે વીજળીનો ઉપયોગ કરી શકશે. દુધાળા ગામને સોલારથી સજ્જ કરવા માટે સ્થાનિક લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. કારણ કે આવનારા દિવસોમાં અનેક લોકોને જે વીજબિલ આવતું હતું તે બંધ થઈ જશે અને વીજળીના વપરાશ બાદ તેમને જે વીજળીની બચત કરી છે તેના પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા થશે. આમ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના સંકલ્પથી સમગ્ર ગામને આત્મનિર્ભર બનાવ્યું છે.