મોરબીમાં ફાટ્યો નકલી ડૉક્ટરોનો રાફડો, ટંકારા અને હળવદમાં વધુ 6 બોગસ ડોક્ટર સકંજામાં, 3 દિવસમાં 9 મુન્નાભાઈની ધરપકડ
મોરબીમાં છેલ્લા 3 દિવસમાં 9 નકલી તબીબ ઝડપાયા છે. અલગ અલગ ગામડાઓમાં હાલ લોકો ગરીબ લોકોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યા છે. એવું કહી શકાય કે રમત જ રમી રહ્યા હતા. ત્યારે મોરબી પોલીસે અલગ અલગ ગામડાઓમાં વિશેષ અભિયાન ચલાવી આ નકલી તબીબને ઝડપી પાડ્યા છે. આગામી દિવસોમાં પણ પોલીસનું આ અભિયાન ચાલતું જ રહેશે.
રાજ્યમાં બોગસ તબીબોનો જાણે રાફડો ફાટ્યો છે. મોરબીમાં છેલ્લા 3 દિવસમાં 9 નક્લી ડૉક્ટર્સ ઝડપાયા છે. ત્યારે પોલીસે પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નક્લી તબીબો સામે તવાઈ બોલાવી છે. મોરબીમાં છેલ્લા 3 દિવસથી પોલીસે વિશેષ અભિયાન ચલાવી અલગ અલગ ગામડાઓમાં લોકોના આરોગ્ય સામે રમત રમતા 9 ડૉક્ટર્સને ઝડપી પાડ્યા છે. જેમા હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોકટર ઝડપાયા છે. ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની રૂપિયા 1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ઘરામીની 4,167 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ છે. ચંદ્રગઢ ગામેથી સંદીપ મનુભાઈ પટેલની 9547 ના મુદ્દામાલ સાથે ધરપકડ થઇ છે. રણમલપુર ખાતેથી પરિમલ ધીરેન બાલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાયસંગપર ગામેથી પંચાનન ખુદિરામ ધરામી નામનો શખ્સ ઝડપાયો છે. સુંદરીભવાની ગામેથી વાસુદેવ કોઠીયાની ધરપકડ કરવામાં આવી છે.
આ તરફ નવસારીમાંથી પણ નકલી ડોક્ટર ઝડપાયો છે. નવસારી SOGએ જિલ્લામાંથી નકલી ડોક્ટર અને બોગસ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે. નવસારી સાતેમ ગામે SOGએ શિવ આયુર્વેદિક હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીની દ્વારા આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. રેડ દરમિયાન પોણા ત્રણ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે અત્યાર સુધી નવસારી જિલ્લામાંથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આરોગ્ય વિભાગને સાથે રાખી પોલીસે તપાસ શરૂ કરી છે. મેડિકલ એસોસિએશનનું પણ માનવું છે કે લોકોના આરોગ્યને ખતરામાં મુકતા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી નકલી તબીબ જેવી રીતે સામે આવી રહ્યા છે તે ખુબ જ ગંભીર બાબત છે…જો કે પોલીસનું આ અભિયાન આવી રીતે જ ચાલતું રહેશે..,અને આવી રીતે જ નકલી તબીબ પોલીસના સકંજામાં આવતા રહેશે.