અમરેલી: દિવાળીના તહેવારે સાવરકુંડલા શહેરમાં ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ એક એવુ યુદ્ધ છે જે તદ્દન નિર્દોષ ભાવથી ખેલાય છે. જેમા કોઈને ઈજા પહોંચાડવાની કે સામેવાળા પર દુશ્મની કાઢવાનો કોઈ ઈરાદો હોતો નથી. માત્ર ગમ્મત ખાતર લોકો ઈંગોરિયા યુદ્ધ ખેલે છે. દર દિવાળીએ લોકો સાવર અને કુંડલા એમ સામસામેના છેડાના યુવાનો નાવલી નદીના પટમાં એકઠા થાય છે અને રાત્રે 10 વાગ્યાથી શરૂ થાય છે ઈંગોરિયા યુદ્ધ. જે મોડી રાત સુધી ચાલે છે.
ઈંગોરિયા એક વૃક્ષનું બીજ હોય છે. જે દિવાળી પહેલા લોકો મોટી માત્રામાં એકઠા કરી લે છે અને આ બીજને ખોલી તેમા દારૂગોળો ભરી દેવામાં આવે છે. ત્યારબાદ દિવાળીની રાત્રે આ ઈંગોરિયાને સળગાવી એકબીજા પર ફેંકવામાં આવે છે. જો કે આ રમતની પણ કેટલીક શરતો હોય છે. જેમા નાના બાળકો ભાગ લઈ શક્તા નથી તેમજ સુતરાઉ કે પોલિએસ્ટરના કપડા પહેરીને આવવાની મનાઈ હોય છે.
માત્ર કોટનના સાદા કપડા પહેરીને આવે તે જ ઈંગોરિયાની રમત રમી શકે છે. જો કે આજકાલ ઈંગોરિયાના બીજ મળવાના ઓછા થઈ જતા હવે લોકોએ તેનો પણ તોડ શોધી લીધો છે અને દરજી સીવવાના કામમાં જે કોકડી વાપરે છે એવી ખાલી કોકડીઓમાં દારૂગોળો ભરી તેમા કાથીની વાટ રાખવામાં આવે છે. જેને જામગરીથી સળગાવી ફેંકવામાં આવે છે. ઈંગોરિયા હોય કે કોકડા હોય સતત ચાર પેઢીઓથી પરંપરા હજુ યથાવત છે.
સાવરકુંડલાની આ ઈંગોરિયા રમતની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેમા આજ સુધીનો ઈતિહાસ રહ્યો છે કે એકપણ દુર્ઘટના સર્જાઈ નથી. આ રમત દરમિયાન કોઈ ગંભીર રીતે દાજ્યા હોવાનુ પણ આજસુધી કોઈના ધ્યાનમાં નથી. જો કે તેના તીખારા ઉડવાથી હાથમાં નાનામોટા ફોલ્લા પડી શકે છે પરંતુ ગંભીર રીતે દાઝવાનો એકપણ બનાવ આજ સુધી બન્યો નથી.
માત્ર નિર્દોષ ભાવે રમવામાં આવતી આ રમતને જોવા દૂર દૂરથી લોકો આવે છે. બહારગામના લોકો પણ સાવરકુંડલાનું આ ઈંગોરિયા યુદ્ધ જોવા ખાસ આવે છે. સમગ્ર ગુજરાતમાં આજે સાવરકુંડલા આ ઈંગોરિયા યુદ્ધ માટે જાણીતુ નામ બન્યુ છે. સાવરકુંડલા સિવાય એકપણ શહેરમાં ઈંગોરિયા યુદ્ધ રમાતુ નથી.
દિવાળીની રાત્રીએ આ યુદ્ધ સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા વચ્ચે ખેલાય છે. યુવાનો એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળકીઓને દૂર દૂર સુધી ખસેડી દે છે. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે, તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે.
આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારીઓ નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. રાતના દસ વાગ્યા મોડી રાત સુધી અને ક્યારેક સવારોસવાર આ યુદ્ધ ચાલે છે. જેનો બધો આધાર ઈંગોરિયાનો લડવૈયાઓ પાસે કેટલો સ્ટોક છે તેના પર રહેલો હોય છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:39 pm, Mon, 13 November 23