ગુજરાતમાં ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના થાય તેવી પૂરી શક્યતા છે. આની સાથે સંકળાયેલ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પણ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં (DholeraSIR) આવી શકે છે. ધોલેરા અમદાવાદથી લગભગ 100 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. મીડિયા આઉટલેટ બિઝનેસવર્લ્ડના એક અહેવાલ અનુસાર, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં (Delhi-Mumbai Industrial Corridor) ધોલેરાને એક મુખ્ય નોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. એરબસે (Airbus) સપ્ટેમ્બર 2021માં ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે $2.8 બિલિયનનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ એરબસ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (Tata Advanced Systems Limited)ના નેતૃત્વ વાળા કન્સોર્ટિયમ સાથે ભાગીદારીમાં ભારતમાં 40 C-295MW એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.
ગુજરાત માટે આ સિદ્ધિ મહત્વની એટલા માટે છે કારણ કે ખાનગી એરક્રાફ્ટ ક્ષેત્રમાં આ પહેલો સંપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ એરોસ્પેસ પ્રોગ્રામ હશે. આ યુનિટમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને વિમાનના મેન્ટેનન્સ સુધી સંપૂર્ણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો વિકાસ સામેલ છે. ભારત સરકાર સાથે કરાયેલા કરાર મુજબ એરબસે વિમાનમાં વપરાતા પાર્ટસના મિનિમમ 30 ટકા પાર્ટસને ભારતીય કંપની પાસેથી ખરીદવા પડશે. જે માટે આ પાર્ટસ વિકસાવતા અનેક ઔદ્યોગિક એકમો ધોલેરામાં સ્થપાઈ શકે છે.
ધોલેરા એરપોર્ટ પર 4,000 મીટર અને 2,910 મીટરના બે રનવે હશે જે એરબસ-ટાટા સંકુલ માટે ફ્લાઇટ-ટેસ્ટિંગ કરવા ખૂબ ઉપયોગી બનશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ રિપોર્ટના આધારે સંરક્ષણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ માટે નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર જારી કર્યું છે. એરપોર્ટને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય પાસેથી પર્યાવરણ મંજૂરી પણ મેળવવામાં આવી છે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનું એવિએશન ઝોન ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક પ્લાન કારવામાં આવ્યું છે અને એરબસની અદ્યતન યુનિટ અહિયાનું મુખ્ય આકર્ષણ બની શકે છે. મેન્યુફેક્ચરિંગ એકમો ઉપરાંત, એવિએશન ઝોન માટેની યોજનામાં એવિએશન એકેડમી, ફ્લાઇટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને એરફ્રેમ્સ, એન્જિન અને C&D તપાસ માટે MRO સુવિધાઓનો સમાવેશ થાય છે.
કરાર પર હસ્તાક્ષર બાદ એરબસ અને TASL દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદન ઉમેરવામાં આવ્યું હતું કે “C295MW પ્રોગ્રામ હેઠળ એરબસ ટાટા (Tata) સહિતના અનેક ઔદ્યોગિક ભાગીદારો અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (Bharat Electronics) અને ભારત ડાયનેમિક્સ લિ. (Bharat Dynamics) જેવા અગ્રણી સરકારી એકમોના સહયોગથી તેના વિશ્વ-કક્ષાના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિંગની સંપૂર્ણ એકોસિસ્ટમ ભારતમાં લાવશે.”
નવાગામ ખાતે 1,426-એકર જમીન ધોલેરા એરપોર્ટ માટે આરક્ષિત કરવામાં આવી છે, જેને ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા ‘અર્લી બર્ડ પ્રોજેક્ટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 16 C-295MW એરક્રાફ્ટનો પ્રથમ લોટ ચાર વર્ષમાં સ્પેનના એરબસ એસેમ્બલી લાઇનથી ફ્લાય-અવે સ્થિતિમાં પહોંચાડવામાં આવશે. ત્યારપછીના 40 એરક્રાફ્ટનું નિર્માણ, એસેમ્બલી અને પરીક્ષણ ભારતમાં કરવામાં આવશે. આ તમામ 56 એરક્રાફ્ટ 10 વર્ષમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે.
એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના સીઈઓ માઈકલ શોલહોર્ન અનુસાર, “આ કરાર ભારતના એરોસ્પેસ ઇકોસિસ્ટમના વધુ વિકાસને સમર્થન આપશે. રોકાણની સાથે સાથે આશરે 25,000 જેટલી રોજગારીની તક પણ આગામી 10 વર્ષમાં ઉત્પન્ન કરશે.”
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ” આ 56 એરક્રાફ્ટસની ડિલિવરી પૂર્ણ થયા બાદ, ભારત સરકાર આ એરક્રાફ્ટનો નિકાસ પણ કરી શકશે”.
આ પણ વાંચો:
આ પણ વાંચો: