PSM100: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસથી ઓળખાશે
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નામકરણ કર્યું. રેલવે મંત્રાલયે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી. સાથે જ મહોત્સવમાં ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપક્રમે ગુજરાતના ઉપકુલપતિઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોની એકેડેમિક કોન્ફરન્સ યોજાઈ હતી.
અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ નગરની મુલાકાત લીધી હતી. તેમજ તેઓએ આ મુલાકાત દરમિયાન અગત્યની જાહેરાત કરી હતી. તેમણે પૂજ્ય મહંત સ્વામીની મુલાકાત અને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ જણાવ્યું હતું કે અમદાવાદ-દિલ્લી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનનું નામ બદલી અક્ષરધામ એક્સપ્રેસ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નામકરણ કર્યું. રેલવે મંત્રાલયે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખાતે યોજાઈ એકેડેમિક કોન્ફરન્સ
આજે ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપક્રમે ગુજરાતના ઉપકુલપતિઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોની એકેડેમિક કોન્ફરન્સ યોજાઇ હતી. ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘના પ્રમુખ રોહિત દેસાઇએ જણાવ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી હકારાત્મક ઉર્જા લઈને નીકળીએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ, પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં વિવિધ કાર્યો જેવા કે વ્યસનમુક્તિ અભિયાન, રાહતકાર્યો અને નાઈ ઉત્કર્ષ કાર્યક્રમો દ્વારા મૂલ્ય નિષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું. સમાજ અને દેશના વિકાસ માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું ધ્યેય રાખવું જોઈએ. “
BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, હતું કે શિક્ષણથી માનવી સુધરેલો બને છે, અને તેમાં આધ્યાત્મિકતા ઉમેરવાથી તે દિવ્યતાનો સ્પર્શ પામે છે. ડૉ. કલામે પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખાવ્યા. ડૉ. કલામની ઈચ્છા હતી કે શિક્ષણનું કાર્ય કરતાં કરતાં તેઓનું આયુષ્ય પૂરું થાય. આપણા સમયના નેતૃત્વના બે જ્વલંત ઉદાહરણ એવા પ્રમુખસ્વામી મહારાજ અને ડૉ. કલામે શિક્ષણ જગતની અગત્યતા સમજાવી છે.”
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ જે. પી. સિંઘલે જણાવ્યું, “આપણે આપણાં સાંસ્કૃતિક મૂળિયાં આપણાં શાસ્ત્રોમાંથી દૃઢ કરવાની જરૂર છે. આપણાં શિક્ષણને ‘કોલોનિયલ’ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.”
સ્ટેટ પાર્લમેન્ટરી અફેર્સ મંત્રી (પ્રાઇમરી, સેકન્ડરી, અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ) પ્રફુલ પાંચશેરિયાએ જણાવ્યું હતું કે “ આધ્યાત્મિક શિક્ષણનો અભાવ ઉચ્ચ શિક્ષિત લોકોમાં પણ આત્મહત્યા જેવા બનાવો માટે કારણભૂત છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની સાથે કર્મ સિદ્ધાંત સમજવો પણ જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી અહંશૂન્ય થવાનું શીખીને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો જોઈએ. ”
HNGU ના ઉપ-કુલપતિ જે. જે. વોરાએ જણાવ્યું હતું કે 80,000 સ્વયંસેવકોના અભૂતપૂર્વ સમર્પણને હું બિરદાવું છું. દિવ્ય શક્તિના પ્રવેશથી આવી એકતા, સર્જનાત્મકતા અને પુરુષાર્થ સંભવિત બને છે.”
ચારુતર વિદ્યામંડલના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે “ ભારતમાં અનેકવિધ મહાન શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર બનેલા વિદ્યાનગરનું ભાગ્ય છે કે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ તેને સાંપડેલા. BAPSના 1200 સાધુઓમાંથી 135 વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના છે. અમારા માટે ગૌરવની વાત છે કે BAPSના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી એકના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.”
પ્રોફેસર ડૉ. ચાંદકિરણ સલુજાએ જણાવ્યું કે“સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના અધ્યયન બાદ મને લાગ્યું કે સંતો દ્વારા શિખવાડવામાં આવતાં પાઠ કેવી રીતે આપણી સંસ્કૃતિના મૂળિયાં મજબૂત કરી રહ્યા છે.”
PDEU ગાંધીનગરના PHD પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રોફેસર એ. સી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે “ડૉ. કલામે જ્યારે ૩૦ જૂન, ૨૦૦૧ ના રોજ પ્રમુખસ્વામી મહારાજને ભારતના વિકાસ માટે પાંચ ક્ષેત્રો જણાવ્યા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે લોકોને સુવિકસીત કરવા તેમનામાં છઠ્ઠી બાબત એટલે કે આધ્યાત્મિકતા ઉમેરવાની વાત કરી હતી. “
CUGના ઉપ-કુલપતિ પ્રોફેસર રામશંકર દુબેજીએ જણાવ્યું,“નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ સર્વતોમુખી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. ખરું શિક્ષણ ઘરથી શરૂ થાય છે. આપણી સંસ્કૃતિ જાળવીને વિશ્વમાનવ થવાનું છે.”
GTUના ઉપ-કુલપતિ પ્રોફેસર નવિન શેઠે જણાવ્યું હતું કે“આઝાદીના અમૃત મહોત્સવની સાથે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના સાક્ષી બનવા બદલ આપણે સૌ ભાગ્યશાળી છીએ.”
ગુજરાત RSSના ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, પ્રોફેસર ભગવતીપ્રસાદ શર્મા તથા કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી યોગી ત્રિવેદીએ પણ આધ્યાત્મિક મૂલ્ય યુક્ત શિક્ષણની તાતી આવશ્યકતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.