અમદાવાદના વાહનચાલકોએ સાવધાન રહેવાની જરુર છે. અમદાવાદ શહેરના જાહેરમાર્ગો પર તમને કોઇપણ સમયે મોત મળી શકે છે અથવા તો કોઇપણ સમયે તમારી સાથે દુર્ઘટના સર્જાઇ શકે છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન તંત્રના પાપે શહેરીજનોને સજા ભોગવવાનો વારો આવે છે. અમદાવાદ શહેરના CTM વિસ્તારમાં AMCએ ખોદેલો ખાડો એક વાહનચાલક માટે યમદૂત સાબિત થતા રહી ગયો. તે સીધો જ કાર સાથે ખાડામાં ખાબક્યો છે.
CTM ચાર રસ્તા નજીકથી વહેલી સવારે 50થી 60ની સ્પીડે આણંદની કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરની કાર પસાર થઇ રહી હતી. ડ્રાઇવરને એ વાતનો જરાય અંદાજ નહોતો કે કાળા ડમ્મર રસ્તા પર જ 20 ફૂટનો ખાડો પણ હોઇ શકે. અચાનક જ પૂર્વદીપ સોસાયટી નજીક BRTS સ્ટેન્ડ પાસે AMCએ ખોદેલો ખાડો આવ્યો. કારચાલક સીધો આ ખાડામાં ગરકાવ થઇ ગયો હતો. કારચાલકની સમયસૂચકતા ગણો કે પછી નસીબ, કાર પર નિયંત્રણ આવી જતા બંને કારસવારનો બચાવ થયો અને સ્થાનિકોએ બંનેને ખાડામાંથી હેમખેમ બહાર કાઢ્યા. જો કાર નિયંત્રીત ન થઇ હોત તો સ્થિતિ અલગ હોત.
પ્રાપ્ત વિગતો મુજબ AMCએ દોઢ મહિના પહેલા આ ખાડો ખોદ્યો હતો. જોકે દોઢ મહિના બાદ પણ આ ખાડો પુરવામાં ન આવતા અકસ્માત સર્જાયો. મહત્વપૂર્ણ છે કે સ્થાનિકોએ આ અંગે AMCને વારંવાર રજૂઆત કરી હોવાછતાં AMCએ તકેદારી ન લીધી અને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ. ત્યારે તો આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરે પણ કોર્પોરેશનની બેદરકારી સામે સવાલ ઉઠાવ્યો છે. તેમની માગ છે કે, કોર્પોરેશન ખાડો ખોધ્યા બાદ તેને પુરવામાં પણ સક્રિયતા દર્શાવે.
સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે 20 ફૂટ ઉંડો ખાડો છતાં તેનું બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું. બેરિકેડિંગના અભાવે ખાડાથી અજાણ વાહનચાલકો દુર્ઘટનાનો શિકાર બને છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું AMCમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે. ક્યાં સુધી AMCનું તંત્ર બેદરકારી દાખવતું રહેશે.
તો બીજી તરફ રોડ અને બિલ્ડિંગ વિભાગના ચેરમેને ખાડાની આસપાસ કોઇપણ જાતના બેરિકેટ ન લગાવ્યા હોવાની વાતને ફગાવી છે. તેમણે જણાવ્યુ કે જ્યારે પણ અમદાવાદમાં ખાડો ખોદવામાં આવે છે ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેરિકેટ લગાવવામાં આવે જ છે.