જે લોકો પોલીસને નજીકથી નથી જાણતા તેમના મન પોલીસ માટે અલગ અલગ મત હોઇ શકે છે. ક્યાંક કોઇક કડવા અનુભવથી આખા પોલીસ ખાતાને બદનામ કરવું પણ ક્યારેક ખોટુ સાબીત થતું હોય છે. પોલીસની જવાબદારીમાં કાયદો અને વ્યવસ્થાન સાચવવાની જવાબદારી આવતી હોય છે, આમ છતાં સંકટના સમયમાં માનવિય અભિગમના અનેક કિસ્સા પાછલા સમયમાં ક્યારેક ફોટા તો ક્યારેક વીડિયો રૂપે સામે આવતા રહ્યાં છે. જેમાં પોલીસ તેમની ડ્યૂટી ના હોય તેવી કાર્યવાહી પણ કરતા હોય છે.
આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ બની ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ એવા એક વાહન ચોરને પકડી પાડ્યો હતો. પોલીસે પોતાની કામગીરી તો કરી લીધી પરંતુ જ્યારે વાહન ચોરની પત્ની અને એક વર્ષની દીકરીની હાલત પોલીસ અધિકારીઓના ધ્યાને આવી ત્યારે તેની પત્ની માટે રહેવાની સગવડ તો કરી જ આપી સાથે આરોપીને એક વકીલની પણ વ્યવસ્થા કરી આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. જી.આર ભરવાડે નારોલ વિસ્તારમાંથી મૂળ ડુંગરપુરના અને નારોલમાં સાગર રેસ્ટોરન્ટ નજીક રોડ પર પત્ની સાથે રહેતા મેહુલસિંગ ઉર્ફ આકાશ સિસોદીયાને પકડી પાડ્યો હતો. મેહુલસિંગ ઉર્ફ આકાશે દાણીલીમડા અને નરોડા વિસ્તારમાંથી ટુ વ્હિલરની ચોરી કરી હતી. આરોપીને પકડીને ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યો હતો. પરંતુ તેની પત્ની દરરોજ ક્રાઇમ બ્રાન્ચ બહાર પોતાની એક વર્ષની દીકરીને લઇને બેસી રહેતી.
સતત બે દિવસથી નાની બાળકી સાથે ક્રાઇમ બ્રાન્ચની બહાર બાકડા પર બેસી રહેતી મહીલા તરફ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ જે.એન ચાવડાનું ધ્યાન ગયું. તેમણે મહિલા પાસે જઇ પુછ્યું, “બેહન કેમ અહીં બેસો છો? કોઇ તકલીફ છે?” મહિલાએ કહ્યું, “મારા પતિને પોલીસ લાવી છે. અમારી પાસે રહેવા ઘર પણ નથી. પતિ વગર ક્યાં રહેવું? દીકરી નાની છે.” પી.આઈ ચાવડાએ તેના પતિનું નામ જાણ્યું અને તપાસ કરાવી તો તેમના સ્ક્વોડે જ મહિલાના પતિને પકડ્યો હતો.
પી.આઈ ચાવડાએ આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય મંડલીકને વાત કરી મદદ કરવી જોઇએ એવી વાત કરી. ડીસીપી મંડલીકે પણ પી.આઈ. ચાવડાની માનવતા દાખવવાની વાતને તાત્કાલીક સમર્થન આપ્યું. તેને જમવાથી માંડીને રહેવાની સગવડ કરી આપવા સૂચના અપાઈ. અંતે ક્રાઇમ બ્રાન્ચે મહિલાને મહિલાને અસારવા સીવીલમાં ચાલતા વન સ્ટોપ સેલ્ટર હોમમાં મોકલી આપી.
બીજી તરફ પોલીસ માટે એક મુઝવણ એ આવી કે, સિવિલના સેલ્ટર હોમમાં રહેવા માટે પાંચ જ દિવસનો નિયમ છે. અંતે ડીસીપી મંડલીકે ભલામણ કરી તેને સાત દિવસ રાખવાની વ્યવસ્થ કરી આપી. બીજી તરફ મહિલાનો પતિને બે પોલીસ સ્ટેશનની તપાસ થતા જેલમાં મોકલી અપાયો હતો. તેની પાસે જામીન કરાવી શકે તેટલા રૂપિયા પણ ન હોય અંતે વકીલની વ્યવસ્થા પણ પોલીસે કરી આપી અને તેને કાયદાકીય મદદ કરી. જેથી મહિલા અને તેની બાળકીનું ભરણપોષણ થઇ શકે. અંતે આરોપીના જામીન થતા પરિવારનું સુખદ મીલન ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું હતુ.
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય મંડલીકનું કહેવું છે કે, અમે આરોપીની મદદ નથી કરી. પરંતુ જ્યારે જાણવા મળ્યું કે, તેની પત્ની પાસે રહેવાની જગ્યા નથી. તે રોડ પર રહે તો એક વર્ષની દીકરી માટે સુરક્ષીત નથી. માટે આ એક વર્ષની બાળકી અને મહિલા માટે અમે મદદ કરી હતી.