ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (Monsoon 2022) સારો એવો વરસાદ (Rain) વરસ્યા બાદ હવે વિવિધ શહેરોમાં રોગચાળાએ (disease) માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ સહિતના રોગ માથું ઉંચકી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં હવે વધુ એક રોગે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. હવે હેન્ડ ફૂટ માઉથ (Hand Foot Mouth) નામનો રોગ પણ માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં અમદાવાદમાં હેન્ડ ફૂટ માઉથ બીમારીના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. બીમારીઓ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદની હોસ્પિટલ્સમાં બીમારીઓ સાથે આવતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં હેન્ડ ફૂટ માઉથ બીમારીના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. આ રોગ પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકોને થાય છે. જેમાં બાળકને ખૂબ જ તાવ આવે છે અને હાથ, પગ અને મોઢા પર લાલ દાણા નીકળે છે. એટલું જ નહીં આ રોગ ચેપી હોવાથી ચેપગ્રસ્ત બાળક અન્ય બાળકના સંપર્કમાં આવતા રોગ ફેલાય છે. તબીબોનું કહેવું છે કે, ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં આ બીમારી ફેલાય છે અને આ રોગ COXSACHIE વાયરસથી થાય છે. તબીબો દાવો કરી રહ્યાં છે કે, આ બીમારીથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે આ બીમારીને કારણે એક ટકાથી પણ ઓછા બાળકો ગંભીર સ્થિતિમાં મુકાય છે. સાથે સાથે તબીબોએ તકેદારી રાખવાની પણ અપીલ કરી છે.
બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ફરી એકવાર માથુ ઉંચક્યુ છે. ખાસ કરીને ડેન્ગ્યૂ (Dengue)અને ચિકનગુનિયાના કેસ વધ્યાં છે. ચાલુ મહિને મલેરિયાના (Malaria) 307 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યૂના 973 કેસ નોંધાયા. જો ચિકનગુનિયાની વાત કરીએ તો 436 કેસ, ઝાડા-ઉલ્ટીના 394 કેસ નોંધાયા છે. શહેરમાં કમળાના 211 કેસ, ટાઈફોઈડના 328 કેસ જ્યારે સ્વાઇન ફ્લૂના (Swine flu) 68 કેસ નોંધાયા છે.
હાલ વરસાદી સિઝનને (Monsoon) કારણે અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે. એક તરફ સ્વાઈન ફ્લૂ બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદમાં કોરોના અને અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂનો ફરી કહેર જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા હતા. શહેરના પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં કેસ નોંધાયા.