રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી, આગામી 22 મે થી 1 લી જૂન સુધી અનેક જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ થવાની શક્યતા- Video
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યમાં આગામી 22 મે થી 1 લી જૂન સુધી અનેક જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધુ વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે તો 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે નેઋત્યનું ચોમાસુ આવે પહેલા ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના છે. જેમા મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે 22 મે થી લઈ 1લી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 2 થી 4 ઈંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમા લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે. આ દરમિયાન 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર ઍર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થશે.
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યુ છે. મુંબઈ અને ગોવા પાસે સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે 22 તારીખથી લોપ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે તેવી સંભાવના છે. 24 થી 28 મે આસપાસ દેશના પશ્ચિમ કિનારાને અસર થવાની છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં બભારે વરસાદની આગાહી છે. આહવા, વલસાડ, ડાંગમાં 12 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે.
રાજ્યમાં 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ચોમાસુ દસ્તક દેશે અને 20 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.
Input Credit- Dhwani Modi- Ahmedabad