ભાવનગરમાં રખડતી રંઝાડથી શહેરીજનો ત્રાહિમામ, રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસેલા ઢોરોને પાંજરે પુરવા ઉઠી માગ- Video
ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે માઝા મુકી રહી છે. શહેરમા અડીંગો જમાવીને બેસેલા ઢોરોથી શહેરીજનો ત્રાહિમામ છે. રસ્તો રોકીને બેસેલા ઢોરને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે.
ભાવનગરવાસીઓની હાલત એક તરફ કુવો અને બીજી તરફ ખાઇ….શહેરમાં લગભગ દરેક રસ્તા ખોદાયેલા છે, જ્યાં થોડાઘણા રસ્તા યોગ્ય હાલતમાં છે તેના પર પણ ઢોર અડીંગો જમાવીને બેઠા છે.
મનપાનાં પદાધિકારીઓ માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં તેવી રીતે કામ કરી રહ્યા છે. એક તરફ મનપા રખડતા ઢોર નિયંત્રણ માટે અને તેમનાં પાલન પોષણ માટે દર મહિને 55થી 60 લાખ ખર્ચ કરી રહી છે. તો બીજી તરફ મનપાએ ઢોર પકડવા માટે જે એજન્સીને કામ સોંપ્યું હતું તેણે કામ જ શરૂ નથી કર્યું.
ભાવનગરનાં પૂર્વ મેયર પણ રખડતા ઢોરનાં શિંગડે ચઢી ચૂક્યા છે. રખડતા ઢોરનો ત્રાસ એવો છે કે ભુતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કંઇક કેટલા નાગરિકોનાં હાડકા પણ ભાંગ્યા છે. મનપાએ ઢોર પકડવાનો જે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો તેણે આઢ મહિના વીતી ગયા છતાં કામ જ શરૂ નથી કર્યું. એજન્સી પર દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે મનપાનું તંત્ર પોતે ઢોર પકડવાની કામગીરીમાં લાગી ગયું છે.
ચોમાસું હવે વેંત છેટું છે ત્યારે રખડતા ઢોરની સમસ્યામાં વધારો થવાની આશંકા છે. દર વખતની જેમ આ વખતે પણ મનપા તરફથી સરકારી જવાબ મળ્યો છે કે, અમે તો કામગીરી કરી જ રહ્યા છીએ. નવી એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું છે અને રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવશે.
અણઘડ વહીવટ માટે પંકાયેલી ભાવનગર મનપા હવે કેવી રીતે પ્રજાજનોની મુશ્કેલી દુર કરે છે તે આવનાર ચોમાસામાં ખબર પડશે. બાકી તો ભાવનગરવાસીઓ મનપાએ સર્જીત સમસ્યાઓ સાથે જીવવા ટેવાઇ જવું પડશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar