માત્ર ફેમસ થવા પેલેસ્ટાઈન સમર્થકનું ટીશર્ટ પહેરી ચાલુ ફાઈનલ મેચે સ્ટેડિયમમાં ઘુસ્યો આ વિદેશી યુવક, નોંધાયો ગુનો, એક દિવસના રિમાન્ડ મંજૂર
આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સન દર્શક ગેલેરીમાંથી પેલેસ્ટાઈલના સમર્થન વાળી ટીશર્ટ પહેરી વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. પેલેસ્ટાઈન સમર્થનની ટીશર્ટ પહેરી પહોંચેલ ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જ્હોનસન કડિયાકામ કરે છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઇન્ટરનેશનલ મેગા મેચમાં આવી હરકતો કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતના બેટિંગ સમયે પીચ સુધી પહોંચી જનાર ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સનનો સંબંધ પેલેસ્ટાઇન સાથે ના હોવાનું તેમજ માત્ર પ્રખ્યાત થવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હોવાની સ્પષ્ટતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી છે. પોલીસે મેદાનમાં ઘુસતો તેનો વીડિયો જારી કર્યો છે. જેમાં વેન જોન્સન 5 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં મેદાનમાં પહોંચી જતો હોવાનું જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ જ્હોનસનનું કોઈપણ આંતરરાષ્ટ્રીય મુદ્દા સાથે જોડાણ ના હોવા છતાં માત્ર ને માત્ર પ્રખ્યાત થવા માટે આંતરરાષ્ટ્રીય મોટી રમતની મેચોમાં સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ પર અને અધિકૃત પ્રવેશ કરી પ્રખ્યાત થવાનો પ્રયત્ન કરતા હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે.
આ અગાઉ જ્હોનસન ફીફા વુમન્સ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ વચ્ચે પણ આ જ પ્રકારે ‘ફ્રી યુક્રેન’ લખેલું ટીશર્ટ પહેરીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં રગ્બી મેચ દરમિયાન પણ પ્લેયરના ડ્રેસ કોડમાં ગ્રાઉન્ડમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. બંને કેસમાં તેને 700 ડોલરનો દંડ અને પ્રતિબંધિત પણ કરવામાં આવ્યો હતો.
જ્હોનસન કડીયાકામ અને સોલાર કંપનીમાં કામ કરે છે
જ્હોનસન ઓસ્ટ્રેલિયાના સિડનીનો રહેવાસી છે અને ખ્રિશ્ચિયન ધર્મ પાડે છે. તેના પિતા જેનજોન ચાઈનીઝ મૂળના અને માતા ફિલિપાઇન્સ મૂળના છે. વેન જ્હોનસન સાયન્સનો વિદ્યાર્થી છે અને કડિયાકામ તેમજ સોલાર પેનલ કંપનીમાં કામ કરે છે. આ સિવાય ટિક-ટોકર તરીકે પણ એક્ટીવ છે.
8 દિવસથી અમદાવાદમાં
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જોન્સન સીડનીથી દિલ્હી તેમજ દિલ્હી થી અમદાવાદ ફ્લાઇટથી પહોંચ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયામાં જ Bookmyshow થકી ફાઇનલ મેચની ટિકિટ ખરીદી હતી. 11 નવેમ્બરે અમદાવાદ પહોંચ્યા બાદ શહેરની અલગ અલગ હોટલોમાં તેણે રોકાણ કર્યું હતું. સ્ટેડિયમમાં જ્યારે તેણે પ્રવેશ કર્યો ત્યારે વાદળી કલરની ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટ પહેરી હતી. જોકે મેદાન વચ્ચે ઘૂસવા સમયે તેણે તે ઉતારી પેલેસ્ટાઇનને સમર્થન આપતી ટીશર્ટ પહેરેલી જોવા મળી હતી.
સુરક્ષામાં ચૂક અંગે તપાસ કમિટી
અનઅધિકૃત રીતે મેદાનમાં પ્રવેશ અને પોલીસકર્મીને ધક્કો મારી પ્રવેશ કરવા બદલ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જ્હોનસન સામે આઇપીસી કલમ 332 અને 447 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી સ્થાનિક સપોર્ટ હતો કે તેમ સહિતની અલગ અલગ તપાસ શરૂ કરી છે. આ સિવાય મેદાનમાં ફરજ ચૂક અંગે પ્રાથમિક ઇન્કવાયરી તપાસ અધિક પોલીસ કમિશ્નર સેકટર-1 ના વડપણ હેઠળ શરૂ કરાઇ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો