કબુતરબાજી મામલે ગુજરાત, દિલ્હી સહિત 14 એજન્ટ સામે નોંધાયો ગુનો, એક વર્ષમાં 800થી વધુ ગુજરાતીઓને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ચોંકાવનારો ખૂલાસો

ફ્રાન્સ કબૂતર બાજી મામલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. માત્ર પંજાબીઓ માટે શરૂ થયેલી કબૂતર બાજીની નવી મોડસ ઓપરેન્ડી હેઠળ છેલ્લા એક વર્ષમાં 1500 કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાઈટ મારફતે 600 કરતાં વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે.

| Edited By: | Updated on: Jan 13, 2024 | 5:28 PM

કબુતરબાજી માટે દુબઈથી નીકારાગુવા થઈ અમેરિકા જતી લેજન્ડ એરવેઝનુ ચાર્ટર્ડ પ્લેન ફ્રાન્સના વિટ્રી ઍરપોર્ટ પર પકડાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે CID ક્રાઇમ એ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી 14 એજન્ટોની શોધખોળ હાથ ધરી છે.

CID ક્રાઈમે 14 એજન્ટ વિરુદ્ધ નોંધ્યો ગુનો, ટૂંક સમયમાં તમામની કરાશે ધરપકડ

જે 14 એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે.  જગ્ગી પાજી દિલ્હી, કિરણ પટેલ મહેસાણા, રાજુભાઈ મુબંઈ, ચંદ્રેશ પટેલ મહેસાણા, જોગીન્દર સિંઘ, માનસિંહ મુબંઈ, સલિમ દુબઈ, શેમ પાજી દુબઈ, ભાર્ગવ દરજી ગાંધીનગર, સંદિપ પટેલ મહેસાણા, રાજુ મુંબઈ, પિયુષ બારોટ ગાંધીનગર, અર્પિત ઉર્ફે માઈકલ ઝાલા ગાંધીનગર, રાજાભાઈ મુંબઈ, જયેશ પટેલ વલસાડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમામ એજન્ટો એક વ્યક્તિને અમેરિકા મોકલવા માટે 60 થી 80 લાખ રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે હજી સુધી એક પણ રૂપિયો અમેરિકા જનાર એક પણ વ્યક્તિએ ભર્યો ન હોવાનુ સામે આવ્યુ છે.

એક વ્યક્તિને અમેરિકા મોકલવા 60 થી 80 લાખ વસુલતા હોવાનો ખૂલાસો

CID ક્રાઈમે ગુજરાત મુંબઈ દિલ્હી અને દુબઈના અલગ અલગ એજન્ટો વિરુદ્ધ IPCની કલમ 120 બી, કલમ 201 અને કલમ 370 હેઠળ ગુનો નોંધાયો. સાથે જ ફરાર થઈ ગયેલા આરોપીઓ વિરુદ્ધ loc ની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સમગ્ર કેસમાં દિલ્હીના એજન્ટો મહત્વનો રોલ ભજવતા હતા અને પંજાબીઓને અમેરિકા પહોંચાડવા માટે જ આ લાઈન શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે ચાર્ટર વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી ગુજરાતીઓને પણ ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડવામાં આવતા હતા.

બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ જાય તો પંજાબીઓ ખાલિસ્તાની હોવાની ઓળખ આપતા

ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પરથી પરત આવેલા 66 ગુજરાતી મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા છે. જેમની પૂછપરછ કરતાં સામે આવ્યું કે દુબઈથી નીકારાગુવા ફ્લાઇટમાં જતા હતા ત્યાંથી ઓન અરાઈવ વિઝા લેતા હતા. જે બાદ એજન્ટ હોય તેમને મેક્સિકો બોર્ડર ક્રોસ કરવા માટે માથાદીઠ 3000 ડોલર પણ આપ્યા હતા. ઉપરાંત જો કોઈ બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ જાય તો પંજાબી લોકોએ પોતે ખાલીસ્તાની હોવાની ઓળખ આપી રાજ્યાશ્રય મેળવવાનું કહેવામાં આવ્યું હતું.

અમેરિકા મોકલવારને એજન્ટને તમામ ખર્ચ બાદ પણ ઉપરથી 8થી10 લાખ મળતા

તે જ રીતે ગુજરાતી યુવક યુવતીઓને અલગ અલગ સ્ટોરી સમજાવી હતી. જેથી તેઓ ઝડપાયા બાદ અમેરિકામાં રાજ્યાશ્રય મેળવી શકે અને ત્યાં રહેલા તેમના વકીલ એજન્ટો રાજ્યાશ્રયમાંથી તેમને છોડાવી અમેરિકામાં સ્થાયી થવા મદદ કરતા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ એક વ્યક્તિને ગેરકાયદેસર અમેરિકા મોકલનાર એજન્ટને તમામ ખર્ચ કર્યા બાદ પણ આઠથી દસ લાખ રૂપિયા મળતા હોવાનું સીઆઇડી ક્રાઇમે જણાવ્યું છે.

આ પણ વાંચો:  રક્ષામંત્રી રાજનાથસિંહે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભારતીય જનતા પાર્ટી યુકે સાથે કરી બેઠક, પીઓકેને લઈને આપ્યુ આ ચોટદાર નિવેદન- વીડિયો

છેલ્લા દોઢ વર્ષમાં 1500 લોકોને અમેરિકા મોકલ્યા હોવાનો ખૂલાસો

સીઆઇડી ક્રાઈમે દાખલ કરેલી ફરિયાદના 14 એજન્ટોમાંથી મુખ્ય એજન્ટ જગ્ગી પાજી વિરુદ્ધ અગાઉ પણ કબૂતરબાજીનો એક ગુનો નોંધાયેલો છે. લેઝન્ડ એરવેઝની ફ્લાઈટ પણ તેણે જ બુક કરી હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં આ 14 આરોપીઓ દ્વારા અંદાજિત 1500 લોકોએ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જે અંગે પણ CID ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:25 pm, Fri, 12 January 24