ક્ષત્રિયોએ રૂપાલાને આપેલ અલ્ટીમેટમ પૂર્ણ થતા હવે ભાજપને ઘેરવાની ઘડાશે રણનીતિ, ઓપરેશન પાર્ટ-2 અંગે શરૂ થઈ કવાયત
ક્ષત્રિયોએ પરશોત્તમ રૂપાલાને 19 તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવા અંગે અલ્ટીમેટમ આપ્યુ હતુ. જો કે રૂપાલાએ ફોર્મ પરત ન લેતા હવે આગળ આંદોલનને ક્યા મોડ પર લઈ જવુ ત અંગે ગોતા ખાતે રાજપૂત કોર કમિટીની બેઠક મળી છે. આ બેઠકમાં ઓપરેશન પાર્ટ ટુ અંગે રણનીતિ ઘડવામાં આવનાર છે.
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. ક્ષત્રિય આગેવાનો સાથેની સરકારની બેઠકો પણ નિષ્ફળ રહી છે. ક્ષત્રિયોને મનાવવામાં ભાજપના ક્ષત્રિય નેતાઓના હાથ પણ ટૂંકા પડ્યા છે. ખુદ સી.આર. પાટીલ પણ આ મુદ્દે બે હાથ જોડીને ક્ષત્રિયોને વિનંતિ કરી ચુક્યા છે. રૂપાલાએ પણ રાજકોટથી નામાંકન દાખલ કરતી વખતે ક્ષત્રિયોને મોટુ મન રાખી સહકાર આપવા અપીલ કરી હતી અને ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્પષ્ટ કરી ચુક્યા છે કે રૂપાલાએ દિલથી માફી માગી લીધી છે, તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોઈ બદલાવ નહીં થાય. તેમ છતા ક્ષત્રિયો તેમની માગ પર અડગ છે અને હવે આંદોલન પાર્ટ ટુ શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે ક્ષત્રિય સંકલન સમિતિની ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક મળી છે.
ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ
આ અંગે સંકલન સમિતિના કરણસિંહ ચાવડા સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી. જેમા તેમણે સ્પષ્ટ કર્યુ કે રાજકોટથી શરૂ થયેલુ આ આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે. પાર્ટ-1 ઓપરેશન રૂપાલા હતું, હવે પાર્ટ-2 ઓપરેશન ભાજપ અંગે રણનીતિ ઘડવામાં આવશે. કરણસિંહે જણાવ્યુ કે પરશોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માગી અને તેમની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે.
ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય કોર કમિટીની બેઠક
રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની બેઠક મળી છે. રૂપાલાને આપવામાં આવેલી 19 તારીખનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર છે. આંદોલન પાર્ટ ટુના એજન્ડા અંગે સમિતિના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
બેઠકમાં 92 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર
કરણસિંહે અમિત શાહના નિવેદન અંગે જણાવ્યુ કે રાજકોટમાં મળેલા મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના સ્ત્રી પુરુષો એકત્ર થયા હતા. એ જ દર્શાવે છે કે રૂપાલા સામેનો રોષ યથાવત છે અને ક્ષત્રિય સમાજનો વિરોધ જારી રહેશે.
ઓપરેશન ભાજપ અંગે બેઠકમાં ઘડાશે રણનીતિ, 26 લોકોસભા બેઠક પર ડેમેજ કરવા કવાયત
22 એપ્રિલ સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો હવે અમારી રણનીતિ ઓપરેશન ભાજપ રહેશે, પાર્ટ 1 ઓપરેશન રૂપાલા હતુ, હવે પાર્ટુ ટુ ઓપરેશન ભાજપ રહેશે. જેના ભાગરૂપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને ડેમેજ કરવામાં આવશે. ભાજપ દ્વારા રૂપાલાને સંપૂર્ણપણે મેન્ડેટ આપી દેવાયુ છે આથી ફોર્મ પરત લેવાની વાત પર પૂર્ણવિરામ મુકાયુ છે, ત્યારે હવે ક્ષત્રિયો આંદોલન થકી ભાજપ સામે શું લડતના મંડાણ કરે છે તે જોવુ રહ્યુ.