Ahmedabad: વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટમાં કર્મચારીની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. જમવાના ઓર્ડર લેવા બાબતે થયેલો ઝઘડો જીવલેણ બન્યો હોવાની ઘટના બની હતી. વસ્ત્રાપુર પોલીસે હત્યાના CCTVના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો.
વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટમાં હત્યા કરનાર આરોપી પવનકુમાર સુરી જેણે જમવાના ઓર્ડર બાબતે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરી હતી. ઘટના એવી છે કે વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારી પવનકુમાર સુરી અને સતીશ પાસવાન વચ્ચે ઝઘડો થયો હતો. રેસ્ટોરન્ટ માં ઓર્ડર લેવા બાબતે બન્ને કર્મચારીઓ બાખડયા હતા. અન્ય કર્મચારિઓ છોડાવવા માટે આવ્યા પરંતુ આચાનક સતીશ પાસવાન બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આરોપી પવનકુમારની મેમનગરથી ધરપકડ કરી
પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક યુવકને ફેફસામાં ઈજા થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી પવનકુમારની મેમનગરથી ધરપકડ કરવામાં આવી છે.
મૃતક સતિષ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી રેસ્ટોરન્ટમાં રસોયા તરીકે નોકરી કરતો હતો
પકડાયેલ આરોપી પવનકુમાર સુરી મૂળ બિહારનો રહેવાસી છે. ડિસેમ્બરમાં અમદાવાદ આવ્યો હતો અને છેલ્લા પાંચ માસથી ચારકોલ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. જ્યારે મૃતક સતિષ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે નોકરી કરે છે. ઘટનાના દિવસે આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ નું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ ગ્રાહક ના ઓર્ડર ની ચીઠ્ઠી મૃતક સતિષને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી.
બંને યુવકો વચ્ચે થયેલી છૂટા હાથની મારા મારી દરમિયાન સતીષ નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો. અને તેનું મોત નીપજ્યું હતું. મોતનું હજુ સુધી ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર માં હત્યા કેસમાં પકડાયેલ આરોપી પવનકુમાર સુરીની આંખએ ઓછું દેખાય છે. જોકે સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે. ત્યારે હાલ તો આરોપી પવનકુમારની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…