જો તમારું વાહન (vehicle) પાણીમાં ડૂબયું હોય કે પાણી (water) માં જવાથી બંધ પડ્યું હોય અને તમે વાહનનો વીમો (insurance) ધરાવો છો. તો જરા તમે તમારો વીમો ચેક કરી લેજો. કે વીમામાં શુ કવર થાય છે. જેથી તમારે ધક્કા ખાવાનો વારો ન આવે કે વીમો પાસ ન થાય તેમ ન બને. કેમ કે આવા જ કેટલાક કિસ્સા શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં વરસાદ તો થંભી ગયો. વરસાદી પાણી પણ ઓસરી ગયા. પણ હવે અમદાવાદ વાસીઓ માટે અન્ય સમસ્યા સર્જાઈ છે. અને તે છે ઘરવખરીને થયેલ નુકશાનને સરભર કરવા અને વાહનોને રીપેર કરવાની. અને હવે વાહન ચાલકો માટે વધુ એક સમસ્યા સર્જાઈ છે તે છે વાહનના વીમાને લગતી. કેમ કે લોકો વાહનનો વીમો કરાવી લે છે. પણ વીમામાં શુ કવર થાય તે કોઈ જોતું નથી અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તેમને ખ્યાલ આવે કે વીમો પાસ નહિ થાય અને તેઓને છતે વીમે નાણાં ખર્ચવાનો વારો આવે છે.
આવી જ રીતે રાજકોટના એક વ્યક્તિ પોતાના કામ અર્થે અમદાવાદ આવ્યા અને વરસાદના કારણે તેઓ ફસાઈ ગયા. એટલું જ નહીં પણ શ્યામલ પાસે જતા પાણીમાંથી કાર કાઢવા જતા કાર બંધ થઈ ગઈ અને પછી એન્જીનમાં પાણી જતા કારને નુકશાન થયું. જે કાર તેઓએ સર્વિસમાં આપી. અને ખ્યાલ આવ્યો કે તેમના વીમામાં એન્જીન કવર પ્લાન નથી. જેથી તેઓએ તેનો ખર્ચ ઉઠાવવો પડશે. તેમજ આજ બાબતને લઈને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં પણ કેટલાક લોકોએ ફરિયાદ કરી વીમા કંપનીઓ જલ્દી વીમો પાસ કરે તેવી ફરિયાદ અને રજુઆત કરી છે.
વરસાદી પાણીમાં માત્ર કાર જ નહીં પણ સૌથી વધુ ટુ વ્હિકલ અને થ્રિ વ્હિકલ પણ ગરકાવ થયાં છે. જે વાહનો પણ બંધ થતાં રીપેરીંગ માટે ગેરેજ પર લાઈનો લાગી છે. જો ગેરેજ માલિકોની વાત માનીએ તો પહેલા કરતાં હાલ 100 ટકા કામ વધ્યું છે. અને તેમાં પણ ખોખરા પાસે એક કાર સર્વિસ મેનેજરના કહેવા પ્રમાણે તેમને ત્યાં કામ વધવાને કારણે 10 દિવસથી લઈને એક મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તેમજ વાહનો વીમા ક્લેઇમને લઈને પણ કેટલાક ઈશ્યુ આવી રહ્યા છે. જે અંગે તેઓએ લોકોને વીમા પોલિસી લેતી વખતે જ ચકાસણી કરવા સલાહ આપી. તો અન્ય વાહન માલિકે પણ લોકોને આજ સલાહ આપી. તેથી તેઓએ વાહનના વીમા પાસ કરાવવા ધક્કા ખાવા ન પડે. તેમજ વધુ નાણાં પણ ખર્ચવા ન પડે.
હાલ તો વાહનના વીમા ધરાવતા વાહન માલિકો વીમો ક્લેઇમ કરી તેમના વાહનો રીપેર કરાવવામાં લાગ્યા છે. જેથી વધુ ખર્ચ તેઓએ ભોગવવો ન પડે. પરંતુ કેટલાક કિસ્સામાં વીમા પોલિસીની અપૂરતી માહિતીને લઈને લોકોને પરેશાન થવાનો વારો આવે છે. ત્યારે જરૂરી છે કે વીમા પોલિસી અંગે લોકો જાગૃત બને. અને શરૂઆતથી જ જ્યારે કંપની વીમા પોલિસી અંગે ચોખવટ કરે ત્યારથી જ વીમા પોલિસી અંગે સમજણ મેળવી લે. જેથી તેઓનો સમય બગડે નહિ અને હેરાન પરેશાન થવાનો વારો આવે નહિ.
Published On - 4:38 pm, Mon, 18 July 22