Ahmedabad: કમરતોડ રસ્તા! શહેરના રસ્તાની ઉપર પાણી અને નીચે પણ વહી રહ્યું છે પાણી, કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ
શહેરના રસ્તાની ઉપર પાણી ભરાતા લોકો પરેશાન છે જ. પરંતુ રસ્તાની નીચે પણ પાણી વહી રહ્યું છે. રસ્તા પર જનારા વાહનચાલકો ક્યારે 15 ફૂટ જેટલા મોટા ખાડામાં ગરકાવ થઈ જાય એ કહી શકાતું નથી.
Ahmedabad: ચોમાસામાં અમદાવાદના રસ્તા (Roads of Ahmedabad) પર ચાલવું મોતના રસ્તા પર ચાલવા જેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવાય છે કેમકે શહેરના રસ્તાની ઉપર પાણી ભરાતા લોકો પરેશાન છે જ. પરંતુ રસ્તાની નીચે પણ પાણી વહી રહ્યું છે. રસ્તા પર જનારા વાહનચાલકો ક્યારે 15 ફૂટ જેટલા મોટા ખાડામાં ગરકાવ થઈ જાય એ કહી શકાતું નથી. અમદાવાદમાં સીઝનનો જેટલો વરસાદ વરસતો હોય તેનો બમણો વરસાદ શહેરમાં પડી ચુક્યો છે. ત્યારે શહેરના રસ્તા ખાડાથી ભરાયા છે. લોકોની કમર તૂટી રહી છે. તો બીજીબાજુ લોકો તંત્રની સામે રોષ ઠાલવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, રસ્તાની ઉપર પણ પાણી છે અને રસ્તાની નીચે પણ પાણી વહી રહ્યું છે.
વસ્ત્રાલમાં 15 ફૂટ મોટો ભૂવો લાઈવ જોનારાઓના શ્વાસ અદ્ધર રહી ગયા હતા. જેમજ ભૂવો પડ્યો કે નીચે પાણી ભરાયેલું જોવા મળ્યું. જે વાહનચાલકો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેઓ હૃદયનો એક ધબકાર ચૂકી ગયા હતા. સ્થાનિકોનો દાવો છે કે, આ રસ્તો 20 દિવસ પહેલા બન્યો હતો. અને કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ આક્ષેપ છે.