શું કોઈ માલેતુજારનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યુ હોત તો તેને શોધવામાં આટલો વિલંબ થતો ખરો? અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પડેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીને 5 દિવસ બાદ પણ શોધવામાં નિષ્ફળ નઘરોળ તંત્ર
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, અદ્યતન ટેકનોલોજી હોવાના મસમોટા દાવા અને 18000 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ છતા તંત્રની નિષ્ફળતા એ છે કે પાંચ દિવસ બાદ પણ ગટરમાં પડેલી બાળકીનો કોઈ અત્તો-પત્તો મેળવી શક્યુ નથી. બેદરકારીની હદ તો એ છે કે સાબરમતી નદીમાં ડ્રેનેજ લાઈનનું STP પ્લાન્ટ પછીનું પાણી જે જગ્યાએ છોડવામાં આવે છે તે ડિસ્ચાર્જ પોઈન્ટ પર આટલા દિવસમાં એકપણ ટીમને તપાસ માટે મોકલાઈ નથી. તો તંત્ર શું તપાસ કરી રહ્યુ છે તે મોટો સવાલ છે.
અમદાવાદમાં ગત શનિવારે (10 ઓક્ટબર) બપોરના 3.30 વાગ્યે એક પ્રજ્ઞાચક્ષુ બાળકી તંત્રની બેદરકારીના પાપે ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાને આજે 5 દિવસ વિત્યા છતા તંત્ર આ બાળકીને શોધી શક્યુ નથી. ત્યારે હવે AMC ની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ તંત્ર શોધખોળનું માત્ર નાટક કરી રહ્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. TV9 ગુજરાતીએ અલગ અલગ સમયે કરેલા રિયાલિટી ચેકમાં પણ ચોંકાવનારી વિગતો ખૂલી છે. બાળકી જે જગ્યાએ પડી છે ત્યા તપાસ જ નથી કરાઈ રહી. માત્ર મીડિયાની ટીમ આવે ત્યારે કામગીરી કરવાનો દેખાડો થતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
કેમ સાબરમતીના ડિસ્ચાર્જ પોઈન્ટ પર એક પણ ટીમ મોકલીને તપાસ ન કરાવાઈ?
નદીના ડિસ્ચાર્જ પોઈન્ટ પર પણ તપાસ કરનાર ટીમનો એકપણ સભ્ય હાજર જોવા મળ્યો નથી. બેદરકારીની હદ તો એ છે કે સાબરમતી નદીમાં ડ્રેનેજ લાઈનનું STP પ્લાન્ટ પછીનું પાણી જે જગ્યાએ છોડવામાં આવે છે તે ડિસ્ચાર્જ પોઈન્ટ પર આટલા દિવસમાં એકપણ ટીમને તપાસ માટે મોકલાઈ નથી. એક પણ વ્યક્તિ દ્વારા ડિસ્ચાર્જ પોઈન્ટ પર પાંચ દિવસ દરમિયાન નામ માત્રની પણ તપાસ કરવામાં આવી નથી. પ્રાણીના પ્રવાહમાં બાળકી જો અહીંથી વહીને પસાર થઈ જાય તો પણ કોને ખબર પડે જ્યારે સુપરવિઝન માટે કોઈ હાજર જ ન હોય. શું આ રીતે બાળકીને તંત્ર શોધશે તે મોટો સવાલ છે.
અત્યારે ક્યાં ગઈ તમારી અદ્યતન મશીનરી?
ઘટના ઘટી એ દિવસ ને બાદ કરતા આજ સુધી એકપણ ઉચ્ચ અધિકારીએ ત્યાં જઈને જોવાની પણ તસ્દી નથી લીધી. આ અગાઉ નદીમાં રોબોટ મુકીને મૃતદેહ શોધવાના અને અદ્યતન ટેકનોલોજી હોવાના દાવા કરાયા હતા તો હાલ એ રોબોટ ક્યાં ગયા? AMC તંત્ર દ્વારા CCTV તપાસથી ડ્રેનેજની સફાઈના દાવા કરાય છે પરંતુ તંત્ર એક બાળકીને શોધી શક્તુ નથી. મોટો સવાલ એ છે કે અત્યાર સુધીમાં CCTV ડ્રેનેજની સફાઈની તપાસ મામલે કરોડો રૂપિયા ચુકવાયા છે પરંતુ સફાઈ થાય છે કે નહીં તો પણ મોટો સવાલ છે. હાલ મુદ્દો એ છે કે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાંય કેમ એક બાળકીને શોધી શકાય નથી. હાલ તંત્ર જે પ્રકારે કામગીરી કરી રહ્યુ છે તે ચોક્કસથી શંકાના દાયરામાં છે. જ્યારે કોઈ મંત્રી સંત્રી માત્ર વિઝિટ માટે આવવાના હોય છે ત્યારે રાતોરાત તમામ મશીનરી કામે લગાડીને રોડ રસ્તા ચમકાવી દેવામાં આવે છે, તો સવાલ એ છે કે
મશીનરી નથી કે નિયત નથી? જવાબ આપે તંત્ર..
- કેમ એક શ્રમજીવી પરિવારની બાળકીને શોધવામાં આટલો વિલંબ થઈ રહ્યો છે?
- શું મનપાને શ્રમજીવી ગરીબ પરિવારની બાળકીને શોધવામાં કોઈ રસ નથી?
- શું કોઈ વગદાર પરિવારના બાળક સાથે આ પ્રકારની દુર્ઘટના બનતી તો તંત્ર આ જ ઢબે કામગીરી કરતુ?
- શું આ બાળકીની જગ્યાએ કોઈ વગદારનું બાળક હોત તો આ જ મંથરગતિએ કામગીરી થતી હોત?
- શું તંત્રના માટે ગરીબ પરિવારના જીવન-મરણની કોઈ કિંમત નથી?
- શું તંત્ર હવે ગરીબ અને અમીર જોઈને કામગીરી કરશે?
- કોઈ માલેતુજાર પરિવારનું બાળક હોત તો તેને શોધવામાં આટલો વિલંબ થયો હોત?
જો આ સવાલો તંત્રને ખૂંચતા હોય તો માત્ર ખૂંચવા નહીં કાંટાની જેમ ચુભવા પણ જોઈએ. કારણ કે જે કાચબાની ગતિએ તંત્ર હાલ કામ કરી રહ્યુ છે તેને જોતા તંત્રની નિયત સામે આ સવાલો ઉઠવા સ્વાભાવિક છે.
હાલ બાળકી ગુમાવનારા માતાપિતાની માનસિક સ્થિતિ શબ્દોમાં વર્ણવી ન શકાય એ હદે પીડાદાયક છે. તેઓ કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી, છતા બાળકીના પિતાએ થોથવાતી જીભે અને અસહ્ય પીડા સાથે tv9 ની ટીમ સમક્ષ જણાવ્યુ કે અમે બાળકી જે હાલતમાં મળે તેના માટે અમારાથી બનતુ બધુ જ કરવા તૈયાર છીએ. હાલ માતાપિતાના ચહેરા પર બાળક ગુમાવ્યાની પીડા સ્પષ્ટ જોઈ શકાય છે અને જાણે તેમણે પણ માની લીધુ છે કે હવે બાળકી જીવિત મળવાની આશા ઠગારી છે.
તંત્રની નિષ્ફળતા, કામ ન કરવાની વૃતિ અને બેદરકારીની હદ એ છે કે સાબરમતી નદીમાં જ્યાં ગટરનું પાણી ઠલવાય છે એ ડિસ્ચાર્જ પોઈન્ટ પર આજ દિન સુધી એકપણ માણસને ત્યાં મોનિટરીંગ માટે મુકવામાં આવ્યો નથી. એકપણ સિંગલ વ્યક્તિને ત્યાં મોકલીને તપાસ કરાવવામાં નથી આવી. ત્યારે અહીંથી વહેતા પાણીના પ્રવાહમાં જો બાળકી વહીને આવીને પસાર થઈ જાય તો પણ તેની ખબર ન પડે. ત્યારે સવાલ એ છે કે આખરે આ ગરીબ પરીવારની બાળકીને શોધવામાં તંત્રને કોઈ રસ છે કે નહીં?
Input Credit- Jignesh Patel- Ahmedabad