ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અને મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ લોકોના ઓપરેશનો કરી ખોટી રીતે રૂપિયા મેળવવામાં આવતા હતા. જોકે બે દર્દીઓના મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સમગ્ર કૌભાંડમાં નવ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ કાર્તિક પટેલ પોલીસના સકંજામાં આવી જતા તેની પૂછપરછમાં અનેક ચોંકાવનાર ખુલાસાઓ થયા છે.
અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ગત તારીખ 11 નવેમ્બર 2024 ના તોડફોડની ઘટના બની હતી. બે દર્દીઓના મોત થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે સમગ્ર ફરિયાદના આધારે તપાસ કરતા ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ બાદ 13 નવેમ્બરના દિવસે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. બનાવની ગંભીરતા જોતા સમગ્ર કેસ વસ્ત્રાપુર પોલીસ મથકમાંથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલમાં અનેક ગેરરિતિઓ થયા હોવાની શંકાના આધારે તપાસ થઈ હતી. ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેને લઇને પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશન કેસમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકીલ પટેલ, ડોક્ટર સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી તેમજ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે. જોકે આ સમગ્ર કેસમાં માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશ પ્રવાસમાં હતો, જે સમયે ઘટના બની ત્યારે કાર્તિક પટેલ તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં હતો. જોકે ઓસ્ટ્રેલિયામાં કાર્તિક પટેલને પોતાના પર ફરિયાદ થયાનીઅહિતી મળતા તે ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ દુબઈ નાસી ગયો હતો. કાર્તિક પટેલની પત્ની ની મેડિકલ સારવાર માટે તેને અમદાવાદ આવવું પડે તેમ હતું તેથી તે ગઈકાલે મોડી રાત્રે દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલને પકડવા લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ અને કાર્તિક પટેલની પૂછપરછમાં સામે આવ્યું કે કાર્તિક પટેલ વર્ષ 1985 માં પોતાના ઘરેથી વિડીયો કેસેટ લાઇબ્રેરી બનાવી વિડીયો કેસેટ ભાડે આપવાના વ્યવસાયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 1987 થી કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયો હતો. કાર્તિક પટેલ દ્વારા સૌપ્રથમ વસ્ત્રાપુર ખાતે શુભલક્ષ્મી ટેનામેન્ટથી શરૂઆત કરી હતી અને બાદમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વિશ્વકેતુ, ગ્રીનેશિયા, શુભકામના, વિશ્વાસ, ગ્રીન ઔરા, ગ્રીન એરા ના નામથી રેસીડેન્ટ અને કોમર્શિયલ સ્કીમો બનાવી હતી. આ સિવાય શાહીબાગ કેન્ટોનમેન્ટમાં ફીરદોશ અમૃત સ્કૂલ, નાંદોલીમાં ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, પલોડીયામાં ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ફાર્મસી, બીબીએ, બીસીએ, માસ્ટર ઓફ વેલ્યુએશનના અભ્યાસ માટેની કોલેજો શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં કાર્તિક પટેલે જણાવ્યું કે કોરોના સમયે તેને એડમિટ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેણે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું અને વર્ષ 2021 માં એશિયન બેરિયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પિટલ માટે ભાગીદાર તરીકે જોડાયો હતો. હાલ કાર્તિક પટેલ આ હોસ્પિટલનું નામ બદલી અને ખ્યાતિ હોસ્પિટલ કર્યું હતું અને તે ચેરમેન તરીકે પદ ધરાવે છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો કાર્તિક પટેલની જ સહી થી થતા હતા. કાર્તિક પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ સાથેની તેમની આમલી બોપલ ખાતેની ઓફિસ તેમજ હોસ્પિટલ પર મીટીંગ લેતો હતો. કાર્તિક પટેલ તેમની બીજી કંપનીમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિકયોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો. કાર્તિક પટેલને નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલા નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો. જે બિલ્ડીંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડીંગનું કામ પૂર્ણ નહીં થતાં bu પરમિશન મળી ન હતી. જેથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી થઈ શકી ન હતી.
ખ્યાતિ હોસ્પિટલ પર જે સમયે તોડફોડની ઘટના બની અને ફરિયાદ નોંધાય તે સમયે કાર્તિક પટેલ વિદેશ પ્રવાસ પર હતો. કાર્તિક પટેલ તેમના પત્ની સાથે ત્રણ નવેમ્બર 2024 થી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના 15 દિવસના પ્રવાસ ઉપર નીકળ્યો હતો. કાર્તિક પટેલ અને તેમના પત્ની અમદાવાદ એરપોર્ટથી સિંગાપુર એરલાઇન્સમાં બેસી સેંગાપુર થી ઓસ્ટ્રેલિયા સીડની ખાતે ગયા હતા, જ્યાં સાત દિવસ સુધી ઓસ્ટ્રેલિયાના સીડની, મેલબોર્ન સહિતના શહેરોમાં રોકાયા હતા. જે બાદ 11 નવેમ્બર 2024 ના તેઓ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા, ત્યાં 18 નવેમ્બર સુધી ક્રાઈસ્ટસર્ચમાં રોકાયા હતા. જે બાદ ન્યુઝીલેન્ડ માંથી દુબઈના વિઝા માટે ઓનલાઇન અરજી કરી ત્રણ મહિનાના દુબઈના વિઝીટર વિઝા મેળવી 18 નવેમ્બર 2024 ના ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટસર્ચ થી દુબઈ પહોંચ્યા હતા. દુબઈથી 17 જાન્યુઆરી 2025 ના રાતના અમદાવાદની ફ્લાઈટમાં બેસી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે પીએમજેવાય યોજનામાં કોઈપણ પ્રકારના કેમ્પ યોજવાનું નિયમ હોતો નથી તેમ છતાં પણ દર્દીઓને પોતાની હોસ્પિટલ તરફ ખેંચવા માટે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અલગ અલગ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેથી હવે પોલીસ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે જેમાં ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલને ખોટમાં દર્શાવવા માટે ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને કાર્તિક પટેલના પગારમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવતો હતો. બીજી તરફ બોગસ કંપનીઓ બનાવી હોવાનું પણ પોલીસને ધ્યાનમાં આવતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પીએમજેવાય અને ખ્યાતિ કંપનીના વ્યવહારો મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, જે અગાઉના વ્યવહારો મળી આવ્યા છે તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021 થી આજ સુધી 3800 જેટલા દર્દીઓએ પીએમજેવાય માં લાભ લીધો છે જેમાંથી કેટલા દર્દીઓના ખોટા ઓપરેશન કરવામાં આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિક પટેલ સાથે જોડાયેલા 33 જેટલા બેન્ક એકાઉન્ટનું ઓડિટ પણ ચાલી રહ્યું છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, તેમજ વધુ એક ફરિયાદ પીએમજેવાય ના ખોટા કાર્ડ બનાવવા મામલે પણ નોંધાય છે. ત્રણેય ફરિયાદોમાં કાર્તિક પટેલ આરોપી તરીકે ગણવામાં આવ્યો છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલનો પાસપોર્ટ તેમજ મોબાઇલ કબજે કર્યો છે અને હવે તમામ મુદ્દાઓ પર ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો