Ahmedabad : મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઈ, જાણો શું હતી તેમની મોડેસ ઓપરેન્ડી
પોલીસે મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. પુછપરછમાં આ ગેંગ ચોરી માટે ખાસ મોડેસ ઓપરેન્ડી વાપરતી હોવાનું સામે આવ્યુ છે. ચોરી માટે તેઓ ખાસ કટર રાખતા હતા. આ ગેંગ રિક્ષામાં ફાઈલ નીચે કટર રાખી ચોરી કરતી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે મહિલાઓને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે. પુછપરછમાં આ ગેંગ ચોરી માટે ખાસ મોડેસ ઓપરેન્ડી વાપરતી હોવાનું સામે આવ્યુ છે. ચોરી માટે તેઓ ખાસ કટર રાખતા હતા. આ ગેંગ રિક્ષામાં ફાઈલ નીચે કટર રાખી ચોરી કરતી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ચોરી કરતા 3 આરોપીની ધરપકડ
અમદાવાદમાં રિક્ષામાં પેસેન્જર લૂંટાતા હોવાની અનેક ફરિયાદ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી હતી. જેને લઇને પોલીસે ખાસ અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને શોધવા કામગીરી હાથ ધરી હતી. આ ગેંગ શહેરમાં એકલી ફરતી મહિલાઓને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડી ટાર્ગેટ કરતી હતી. પોલીસે આ ગેંગના લાલાભાઈ પટણી, પ્રકાશ ઉર્ફે શૈલેષ ઉર્ફે ઓડો પટણી, જીગ્નેશ મસ્કે અને કનુભાઈ પટણીની ધરપકડ કરી છે.
શું હતી મોડેસ ઓપરેન્ડી ?
ઝડપાયેલા આરોપી મહિલાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમણે પહેરેલા દાગીના કટર વડે કાપી ચોરી કરતા હતા. આરોપી રિક્ષામાં પોતાની ગેંગના અન્ય સભ્યોને મુસાફર તરીકે બેસાડી ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 1.34 લાખના દાગીના મળી 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
CCTVની મદદથી આરોપી પકડાયા
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેમણે અમદાવાદના નવરંગપુરા અને ગાંધીનગરના અડાલજમાં મહિલાના દાગીના ચોરી કર્યા હતા. આ સાથે જ આરોપી પોલીસથી બચવા માટે રિક્ષાની નંબર પ્લેટ પર લિંબુ અને મરચા લટકાવતા હતા. જેથી તેમની રિક્ષાનો નંબર પોલીસ ન જોઈ શકે. જોકે CCTVની મદદથી અને આરોપીના અગાઉના ગુનાની વિગતના આધારે પોલીસ આ ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે. આ ગેંગ પાસેથી જે રીક્ષા કબ્જે કરી છે તે પણ ભાડેથી લાવવામાં આવી હતી.
રિક્ષામાં પેસેન્જરની આજુબાજુ અમુક અંતરેથી ગેંગના અન્ય સભ્યો ચઢતા હતા. જેથી પેસેન્જર કોઈ શંકા જાય નહિ. બાદમાં તેઓ પેસેન્જરનું ધ્યાન ભટકાવી એક ફાઈલની નીચે ધારદાર કટર દ્વારા પર્સમાંથી વસ્તુઓ પડાવી લેતા હતા.આરોપીની પુછપરછમાં બે અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે લૂટ ને અંજામ આપવા આ ચોર ગેંગ અનોખી રીત અપનાવી હતી અને બાદમાં પોલીસથી બચવા પણ ખાસ રીત અજમાવવામાં આવતી હતી.
આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ
આરોપી પ્રકાશ વિરૂદ્ધ નરોડા પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી કનું વિરૂદ્ધ પણ અસારવા અને પાટણમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હવે પોલીસ સમગ્ર મામલે આ ગેંગના સભ્યોની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ આરોપીઓ ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચતા હતા, તેમજ અન્ય કોઈ આ ગેંગમાં સંડોવાયેલું છે કે કેમ અને અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.