વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ત્યારથી જ તે આતંકવાદીના હિટ લીસ્ટ પર રહ્યાં છે. વર્ષ 2004માં ઇશરત જહાં અને ગેંગ ત્યાર બાદ વર્ષ 2007માં રામોલમાં સભા દરમિયાન પત્રકારના વેશમાં ઘુસી વિકારૂદ્દીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. એટલું જ નહીં આ વાત સિરિયલ બ્લાસ્ટના આતંકીઓને ફાંસીની સજા અપાઇ ત્યારે પણ સપાટી પર આવી હતી. તાજેતરમાં કહીએ તો 4 માર્ચના રોજ પણ કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયો હાથ લાગ્યો હતો. જેમાં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટના આતંકીઓને ફાંસીની સજા એ દેશની કેન્દ્ર સરકારની બદલાની ભાવના હોવાનું અને બદલો લેવાની વાત કરી હતી. આ વીડિયોમાં દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરહતુલ્લાહ ઘોરીનો અવાજ હોવાનો દાવા ઉપરાંત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઇનો હાથ હોવાનો પણ દાવો કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓએ કર્યો હતો. ત્યારથી દેશની તમામ રાજ્યોની પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા એજન્સી એલર્ટ પર છે.
આ બધી ઘટનાઓને જોતા સંવેદનશીલ ગણાતા ગુજરાતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હોય ત્યારે ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરી નિઃશંક વધી જતી હોય છે. સુરક્ષાની તૈયારીઓ એક રાતનો ખેલ નહીં પણ દિવસોની મહેનત હોય છે. આ મુદ્દે Tv9 દ્વારા અલગ અલગ અધિકારીઓ સાથે વાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસના ક્વિક રિસ્પોન્સનો સાર સામે આવ્યો હતો. હકિકતમાં અમદાવાદની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ નિર્ણયોએ ગુજરાત પોલીસના જીવ તાળવે ચોંટાડ્યા હતા. પરંતુ કોઇ પણ સ્થિતિ માટે તૈયાર રહેવાની માનસીકતાએ અંતે 100 ટકા પરિણામ આપ્યું હતુ.
જ્યારે કોઇ વીવીઆઈપી કોઇ શહેર કે દેશની મુલાકાત લેતા હોય છે ત્યારે મિનિટ ટુ મિનિટનો તેમનો કાર્યક્રમ નક્કી હોય છે. ક્યાં જશે, કેટલીવાર રોકાશે, કયા રૂટ પરથી જશે, ક્યાં જમશે અને ક્યાં રાત્રી રોકાણ થશે, આ તમામ વિગતોના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ સુરક્ષા એજન્સીઓને જે તે રાજ્યની પોલીસને પણ આપી દેવાતા હોય છે જેને લઇને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાતી હોય છે. તારીખ 11 અને 12 એમ બે દિવસની મુલાકાત દરમિયાન સર્જાયેલી સ્થિતિ અંગે અલગ અલગ પોલીસ અધિકારીઓ સાથે વાત થઇ ત્યારે જાણવા મળ્યું હતુ કે, પહેલેથી જ તમામ પોલીસ અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરી દેવાઇ હતી. એક સપ્તાહ પહેલાંથી જ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાની ચેમ્બરમાં બેસવાનું બંધ કરી દીધુ હતુ. તે સતત ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ અને અલગ અલગ એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી રૂપરેખા ઘડવામાં જોતરાઇ ગયા હતા. આ બેઠકોમાં જ નક્કી થઇ ગયુ હતુ કે, સુરક્ષાકર્મી અને પ્રજા વચ્ચે ઘર્ષણનો એક પણ બનાવ ન બનવો જઇએ. એટલે કે, પોલીસે સુરક્ષા તો પુરી પાડવાની છે સાથે જ લોકોને વડાપ્રધાનના કોન્વોયથી દુર રાખવાનું કામ કડકાઇથી નથી કરવાનું. આ જ રીતે મીડિયાકર્મીઓ સાથે પણ વર્તવાનું રહેશે. એક તરફ કોઇ અનિચ્છનિય ઘટનાની દહેશત અને બીજી તરફ કુણુવલણ અપનાવવાની તલવારની ધાર જેવી સ્થિતિ પોલીસ માટે કપુરૂ કામ હતુ.
આ નિર્ણયનું શબ્દસહ પાલન કરાવાની જવાબદારી એડી. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી અને સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવિર સીંઘ અને ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાની હતી. કોઇ વસ્તુનો નિર્ણય કરવો અને મળેલી સૂચના પ્રમાણે કામ કરવું આ બે સ્થિતિથી ક્યાંય વધારે કપરૂ કામ લેવાયેલા નિર્ણય પ્રમાણે કામ લેવાનું હોય છે. ઉપરાંત રાજેન્દ્ર અંસારી પાસે એક અલગ અને ખાનગી જવાબદારી એ હતી કે, શહેરમાં કે શહેર બહાર ક્યાંય કોઇ વિરોધનો સૂર ન ઉઠે તે જોવાની હતી. બેવડી જવાબદારી સાથે તે સતત તાબાના અધિકારીઓ સાથે સ્થળ પર રહ્યાં હતા. રાજેન્દ્ર અંસારીનું કહેવું છે કે, ડીસીપી ઝોન -2 વિજય પટેલ, ઝોન – 4 રાજેશ ગઢિયા, ઝોન -7 પ્રેમસુખ ડેલુ અને એસ.ઓ.જી ડીસીપી મુકેશ પટેલ તેમના આંખ, કાન અને હાથ બન્યા અને તેમણે પડદા આગળ અને પાછળની તમામ જવાબદારીઓ નિભાવી.
ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવિર સીંઘ અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમની સિક્યુરિટીના એસ.પી રહી ચુક્યા છે. પણ ત્યારની અને અત્યારની તેમની જવાબદારી અલગ હતી. પ્રેમવિર સિંઘ પાસે સ્પેશિયલ બ્રાન્ચનો પણ ચાર્જ છે. જેમાં સિક્યુરિટીની સ્કિમ, બીજી એજન્સીઓ સાથે કોર્ડીનેશન, પ્રોગ્રામીગ અને અધિકારીઓને બ્રિફિંગ પણ કરવાનું હોય છે. ટુંકમાં સ્પે. બ્રાન્ચની પડદા પાછળની જવાબદારીનો ભાર પ્રેમવિર સિંઘ પર હતો. પ્રેમવિર સિંઘ સાથે આ મુદ્દે વાત કરી ત્યારે તેમણે સૌથી પહેલા તેમની ટીમની પ્રસંશા કરી. જેસીપી અને ડીસીપી ચૈતન્ય મંડલીકની જોડીએ છેલ્લા 15 દિવસમાં સ્લિપર સેલથી માંડીને કટ્ટર વિચારધારા લોકો પર સર્વેલન્સ શરૂ કરાવી દીધું હતું. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ રાઉન્ડ ધી ક્લોક વોચ કરી ડે ટુ ડેનું રિપોર્ટીંગ લીધુ હતુ. અમદાવાદના એસીપી અને ટીમે પણ અમદાવાદ સહિત ગુજરાતભરના હિસ્ટ્રિશિટર પર સર્વેલન્સ કરી તેમના લોકેશન અને હાલની હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યુ હતુ.
આવી જ સ્થિતિ ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા અને ડીસીપી મયુર ચાવડાની પણ હતી. તૈયારીઓ 10મીની રાત્રે જ પૂર્ણ કરી લેવાઇ હતી. ઓલ ક્લિયરનો મેસેજ આપી દેવાયો હતો. પરંતુ વડા પ્રધાનના પ્રવાસના પહેલાં જ દિવસે સાંજે ગાંધીનગર પોલીસ મુંઝવણમાં મુકાઇ, જ્યારે પીએમઓએ જાણ કરી કે, નરેન્દ્ર મોદી બીજા દિવસે રોડ શોની જેમ ખુલ્લી કારમાં તો નહીં નીકળે પણ રક્ષા શક્તિ યુનિવર્સિટી જતા રસ્તારમાં ત્રણેક જગ્યાએ અભિવાદન જીલશે. આ મેસેજ આવ્યો સાથે જ બીજો મસેજે મળ્યો કે, વડાપ્રધાન તેમની માતાના ઘરે થોડીવારમાં નીકળશે. આ બન્ને પહેલેથી કોઇ પ્લાનમાં નહોતા છતાં ગાંધીનગર પોલીસ અનુભવી લીડરના કારણે સ્થિતિને પહોંચી વળી.
હવે વાત અમદાવાદની હતી. રક્ષા શક્તિ યુનિવર્સિટીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે જ અમદાવાદ પોલીસને મેસેજ મળ્યો કે, વડા પ્રધાન સાંજે ઇન્દિરાબ્રીજથી સ્ટેડિયમ સુધી રોડ શો કરશે. જેમાં પણ સવારની જેમ પબ્લીક અભિવાદન રહેશે. અમદાવાદ પોલીસના હોંશ ઉડી ગયા. કારણ પોલીસ સ્ટેડિયમના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યાં ફરી રોડ શો અધિકારીઓ દોડતા થયા અને અભિવાદન સ્પોટના એક કિલોમીટરના રેડીયેશન વાળા વિસ્તારમાં સર્વેલન્સથી માંડીને સુરક્ષા તાત્કાલીક ગોઠવી દેવાઇ.
આ અંગે ડીસીપી ચૈતન્ય માંડલીક સાથે વાત કરી ત્યારે તેમણે આ ચેલેન્જ અંગે જણાવ્યું કે, વડા પ્રધાન મોદી હિટ લીસ્ટમાં છે ઉપરાંત તેમની સાથે વીઆઈપીનો એક મોટો કાફલો પણ ચાલતો હોય છે. દરેકની સુરક્ષા કરવી અને તેમને જોવા આવનારા દરેક વ્યક્તિ પર ધ્યાન રાખવું તે ચેલેન્જીંગ હતુ.
બહાર અમદાવાદના અધિકારીઓ મોરચા પર હતા. તો બીજી તરફ સ્ટેડિયમ અને GMDC ગ્રાઉન્ડ અંદર એક અનુભવી અધિકારીની જરૂર હતી, જેનો હવાલો અશોક યાદવને સોંપાઈ હતી. જે સતત ગૃહ મંત્રી અને બહારની ટીમ સાથે કોઓર્ડિનેશનમાં હતા.
એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે વાત કરતા કહ્યું કે, આટલી મેદની વચ્ચે લોન વૂલ્ફ એટેક કે વિરોધના નામે કોઇ તેમના વિરોધ કોઇ પણ વસ્તુનો ઘા કરીને વિરોધ નોંધાવે તેવી આશંકા સતત હતી. કારણ વડા પ્રધાન પબ્લીકની એકદમ નજીક હતી. પરંતુ ગુજરાત પોલીસની મહેનતે વડાપ્રધાનની ગરીમાને ઉનીઆંચ આવવા દીધી નથી.
આ પણ વાંચો : Anand : ચરોતરમાં બટાકાની ખેતી કરતા ધરતીપુત્રોમાં આનંદ, બટાકાના ઊંચા ભાવથી આર્થિક રીતે ખેડૂતોને લાભ
આ પણ વાંચો : ચીનમાં ફેલાતા કોરોનાથી અશોક ગેહલોત ચિંતિત, કહ્યું- કેન્દ્ર સરકાર બેદરકાર ન રહે અને નવા પ્રતિબંધો પર વિચાર કરે