એકસાથે બે મોટી લૂંટનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઈમબ્રાંચ, 2024ની લૂંટના આરોપીઓ શોધતા શોધતા 2023ની આંગડિયા લૂંટનો પણ ભેદ ઉકેલી નાંખ્યો- જુઓ CCTV Video
ગત 10મી જુલાઈએ અમદાવાદના એલિસબ્રિજમાંબે આંગડિયાકર્મીઓ પર એરગનથી હુમલો કરી રૂપિયા 40 લાખની લૂંટ કરનાર બે આરોપીઓને શોધી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2023માં થયેલી અન્ય એક આંગડિયાલૂંટનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે. 2023ની લૂંટનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેની કહાની રસપ્રદ છે.

લૂંટારુંનો હાથનો બાંધો, અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી ગયા વર્ષની લૂંટ પરથી પડદો ઉઠ્યો. 10 મી જુલાઈએ અમદાવાદના એલિસબ્રિજમાં બે આંગડિયા કર્મીઓ પર એરગન થી હુમલો કરી રૂપિયા 40 લાખની લૂંટ કરનાર બે આરોપીઓને શોધી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને 2023માં થયેલી અન્ય એક આંગડિયા લૂંટનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે એલિસબ્રિજ લૂંટ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગત 10 મી એ ભરબપોરે થયેલી લૂંટ ને કારણે સ્થાનિક પોલીસ, ઝોન 7 એલસીબી, અને ક્રાઇમ બ્રાન્ચ ની જુદી જુદી ટિમો જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી. CCTV ફૂટેજ અને ટેકનીકલ સર્વલન્સ ના આધારે આરોપીઓ નું પગેરું મેળવવા માટે તમામ ટિમો મથામણ કરી રહી હતી, સફળતા મળી ક્રાઇમ બ્રાન્ચ ના પી આઈ એમ એલ સાળુંકે અને PSI આર એલ ઓડેદરાની ટીમને માત્ર એલિસબ્રિજ લૂંટ જ નહિ પરંતુ 2023માં આજ આરોપીએ કરેલી વધુ એક લૂંટનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી.
ક્રાઈમ બ્રાંચે બે મોટી લૂંટ પરથી ઉંચક્યો પરદો
કોઈ પણ ગુના નો ભેદ ઉકેલવા માટે પોલીસનું પહેલું ટેક્નિકલ વેપન હોય છે, મોબાઈલ નંબર, મોબાઈલ કોલ ડિટેલ, CDR અને પછી CCTV ફૂટેજ. આવીજ રીતે એલિસબ્રિજ લૂંટ બાદ જમાલપુરમાં આવેલ આંગડિયા ઓફિસથી ઘટના સ્થળ એલિસબ્રિજ જીમખાના અને ત્યાર બાદ આસપાસના CCTV ફૂટેજની ચકાસણી દરમ્યાન કેટલાક CCTV ફૂટેજ ક્રાઇમબ્રાન્ચને મળ્યા. આ CCTV ફૂટેજ તથા અન્ય કેટલાક પુરાવાઓને આધારે ઝફર ઇકબાલ રંગરેજ અને મોહંમદ જાવેદ જબ્બોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા.
બંને ફુટેજમાં એક્ટિવા ચલવાનારા શકમંદના ખભાનો બાંધો સરખો જણાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આ બન્નેની પૂછપરછ અને ઉલટ તપાસ કરવામાં આવી રહી હતી. દરમ્યાન પી આઈ એમ એલ સાળુંકે અને PSI આર એલ ઓડેદરાની ટીમ ભૂતકાળમાં બનેલી આવી આંગડિયા લૂંટ તથા અન્ય લૂંટના વણ ઉકેલાયેલ કેસો અને CCTVનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં બે ઘટનાઓના શકમંદોના CCTVમાં સમાનતા જણાઈ. સમાનતા એ હતી કે બંને ફૂટેજમાં મોપેડ પર જઈ રહેલા શકમંદના હાથના ખભાનો બાંધો સરખો હતો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલ પણ સરખી હતી. ખભાનો એક ભાગ એક તરફ ઝુકેલો હતો.
જુઓ વીડિયો:
16.01.23ના રોજ જમાલપુરમાં આંગડિયા પેઢીના લૂંટનો પણ ઉકેલાયો ભેદ
ફૂટેજ જોતા પી આઈ એમ એલ સાળુંકે અને PSI આર એલ ઓડેદરા ની ટીમના સદસ્યોની આંખોમાં ચમક દેખાઈ અને આજ મુદ્દાઓને લઈને બંનેની વધુ પૂછપરછ તથા તપાસ કરવામાં આવી તો 16/01/2023 ના રોજ જમાલપુર માં આંગડિયા પેઢીના કર્મચારીઓ પર લાકડાના ફટકા મારી મોહંમદ જાવેદ રંગરેજ ઉર્ફે જબ્બો એ રૂપિયા 28 લાખની લૂંટ કરી હોવાનો ઘટસ્ફોટ થયો. જે બાદ આ લૂંટ તેણે કરી હોવાની મોહંમદ જાવેદે કબૂલાત પણ કરી લીધી . આમ CCTV ફૂટેજમાં એકજ સરખા ખભાના ભાગ અને મોપેડ ચલાવવાની સ્ટાઇલને કારણે લૂંટારું ઓળખાઈ જતા એલિસબ્રિજ લૂંટની સાથે 18 મહિના 17 દિવસ પૂર્વે જમાલપુરમાં થયેલી રૂપિયા 28 લાખની લૂંટનો પણ ભેદ ઉકેલાઈ ગયો.
બંને લૂંટ માટે ચોરીની એક્ટિવાનો ઉપયોગ
મોહંમદ જાવેદ રંગરેજે એકજ સ્ટાઇલ થી બંને લૂંટની ઘટનાઓ ને અંજામ આપી હતી. લૂંટ કરતા પૂર્વે પ્રથમ એક્ટિવાની ચોરી કરી અને ત્યાર બાદ ઘટના ને અંજામ આપ્યો..16 જાન્યુઆરી 2023ના રોજ રૂપિયા 28 લાખની લૂંટ કરવા માટે 1 જાન્યુઆરી 2023ના રોજ રિવરફ્રન્ટ રવિવારી બજારમાંથી એક્ટિવાની ચોરી કરી હતી, જ્યારે 10 મી જુલાઈએ એલિસબ્રિજ માં કરેલી લૂંટ માટે અંદાજે દોઢ માસ પૂર્વે રિવરફ્રન્ટ રવીવારી બજાર માંથી એક્ટિવાની ચોરી કરી હતી.
ચોરીની એક્ટિવાનો કલર બદલી નાખ્યો, કારનો નમ્બર એક્ટિવા પર લગાવી દીધો
મોહંમદ જાવેદ ઉર્ફે જબ્બોએ એલિસબ્રિજ લૂંટને ફિલ્મી ઢબે અંજામ આપ્યો હતો, રવિવારી બજારમાંથી સફેદ કલર ના એક્ટિવાની ચોરી કર્યા બાદ સફેદ એક્ટિવા પર કાળો કલર કરી નાંખ્યો હતો. અન્ય કોઈ કાર નો નમ્બર હતો તેની નમ્બર પ્લેટ એક્ટિવા પર લગાવો દીધી હતી,CCTV ફૂટેજમાં એક્ટિવા પર કાર નો નમ્બર મળી આવવો એ પણ ક્રાઇમ બ્રાન્ચ માટે એક કડી હતી.
બે લૂંટ તો ઉકેલાઈ, સોનીને લૂંટનાર આરોપીઓ હવે ક્યારે પકડાશે?
એલિસબ્રિજ લૂંટ અને અગાઉ જમાલપુર માં થયેલી લૂંટ નો ભેદ તો ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે, પરંતુ મંગળવારે ફતાશાની પોળ માં સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય બની છે. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું કે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે લૂંટારુંને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે, અમે બહુ વહેલા આ ઘટના ના આરોપીને પણ ઝડપી પાડીશું.