અમદાવાદ: સિવિલ હોસ્પિટલની ઉમદા પહેલ, નવજાતને ત્યજો નહીં, અહીં પારણામાં મુકી બેલ દબાવી દો, તમારી ઓળખ ગુપ્ત રખાશે -વીડિયો
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ઉમદા પહેલ શરૂ કરવામાં આવી છે. જો કોઈ માતા જન્મ આપ્યા બાદ તેના નવજાતને શિશુને કોઈ મજબુરીવશ ત્યજી દેવાની હોય તો તેને ગમે ત્યાં ઝાડીઓમાં કે અવાવરુ જગ્યાએ ન મુક્તા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ ઈમરજન્સીની બહાર મુકેલા પારણામાં મુકી દો અને બેલ દબાવી તમારી કોઈપણ જાતની ઓળખ જાહેર કર્યા વિના જતા રહો. તમારા બાળકનું જતન સિવિલ દ્વારા કરાશે.
જો કોઈ માતા તેના બાળકને જન્મ આપીને એ નવજાત શિશુને ત્યજી દેવાનુ વિચારતી હોય તો તેવુ ન કરશો. તમારી જે કંઈપણ લાચારી- મજબુરી હોય તો પણ એ બાળકને ગમે ત્યાં ઝાડીઓમાં કે અવાવરુ જગ્યાએ ત્યજી ન દેશો. એ બાળકની સંભાળની તમામ જવાબદારી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ લેશે. એ નવજાતને ગમે ત્યાં મુકી ન દેતા માત્ર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત 1200 બેડની હોસ્પિટલ પાસે એક પારણુ મુકવામાં આવ્યુ છે. એ પારણામાં એ બાળકને મુકી આવશો. ત્યારબાદ ત્યાં રહેલો બેલ દબાવી દેજો. તમારી કોઈપણ જાતની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. માત્ર બાળકને પારણામાં મુકી જતા રહો.
ત્યજાયેલ બાળકને સ્ટેબલ કર્યા બાદ બાળસુરક્ષાગૃહને સોંપાશે
આ રીતે પારણામાં બાળક મુકનારની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. બાળક ત્યજી દેનારની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રહેશે. આ રીતે ત્યજી દીધેલ બાળકને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જીલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજત પૂર્વક ઉછેર કરવામાં આવશે.
‘જે જન્મે તે જીવે અને જીવે તે તંદુરસ્ત જીવે’- બાળકને ત્યજો નહીં જીવવા દો
સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ રાકેશ જોષીના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની ટેગ લાઈન છે જે જન્મે તે જીવે અને જીવે તે તંદુરસ્ત જીવે. આથી દરેક નવજાત શિશુને તંદુરસ્ત જીવવાનો અધિકાર છે. જો જનેતા કે તેના ઘરના તેને સાચવવા સક્ષમ નથી તો એ બાળકને ત્યજો નહીં. તેને મરવાના વાંકે છોડી દઈ ગમે ત્યાં ત્યજી ન દો. એ બાળકનો જીવવાનો અને તંદુરસ્ત જીવવાનો અધિકાર ન છીનવો.
સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટીમાં, ઝાડીઓમાં કે અવાવરુ જગ્યાએ ન મુકતા જો હંમેશા માટે તેનો ત્યાગ કરવા ઈચ્છતા હોય તો એ બાળકને 1200 બેડ ઈમરજન્સીની બહાર મુકેલા પારણામાં મુકી સાથે રહેલ બેલ દબાવીને જતા રહો.
સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ દ્વારા એ બાળકોની મેડિકલ કંડિશન તપાસી તેમને સ્વસ્થ રાખવાની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે અને બાળક સ્વસ્થ થયા બાદ બાળકને ક્યા શિશુ ગૃહમાં મોકલવુ, પોલીસને જાણ કરવા સહિતની સઘળી જવાબદારી સિવિલ દ્વારા લેવામાં આવશે. બસ બાળકોને ગમે ત્યાં ન ત્યજો. 1200 બેડની હોસ્પિટલ પાસે મુકાયેલ પારણુ એ શિશુ માટે જ છે. તેને જીવવા દો. સ્વસ્થ જીવવા દો.