Ahmedabad : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યો સપાટો, 9 હથિયાર અને 6 જીવતા કારતૂસ સાથે 5 લોકોની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વિશાલા થી ફતેવાડી જવાનો રોડ પરથી મોહસીન ઉર્ફે મોટા મણિયારની ધરપકડ કરી તેની પાસેથી પાંચ પિસ્ટલ કબજે કરવામાં આવી છે.
અમદાવાદમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વિશાલાથી ફતેવાડી જવાના રોડ પરથી મોહસીન ઉર્ફે મોટા મણિયારની ધરપકડ કરી તેની પાસેથી પાંચ પિસ્ટલ કબજે કરવામાં આવી છે.
ઈડરના આરોપી પાસેથી પિસ્ટલ લઈ કર્યું હતુ વેચાણ
આ પિસ્ટલ ઈડરના આરોપી કલ્પેશ ઠાકોર પાસેથી મેળવવામાં આવી હતી અને અમદાવાદમાં તેનું છૂટક વેચાણ કરવાનું હતું. જોકે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા પાંચ હથિયાર સાથે મોહસીનની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે મોહસીન અને કલ્પેશ ઠાકોર ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં એક સાથે હતા. ત્યારે બંને વચ્ચે સંપર્ક થયા બાદ મોહસીને વાહનચોરી છોડી હથિયારની હેરાફેરી કરવાનું શરૂ કર્યું હતું.
હથિયારો ક્યાંથી લાવતા અને કેટલા રૂપિયામાં વેચતા
આ સાથે જ થોડા દિવસો પહેલા ક્રાઈમ બ્રાન્ચએ ઝડપેલા હથિયાર કેસમાં આરોપીઓને પૂછપરછ કરતા હકીકત મળી આવી કે, અમદાવાદના કેટલાક લોકો પાસે હથિયારો છે. તેની તપાસ કરતા દાણીલીમડાના મોહમ્મદ ફાઝિલ તુર્કી, શાહપુરના મતિન તુર્કી અને મોહમ્મદફૈઝાન તુર્કી, તથા શાહીબાગના અનિસ તુર્કી કે જે તમામ ઉત્તર પ્રદેશના સંંભલ જિલ્લાના છે. ત્યાંથી હથિયારો લાવી અમદાવાદમાં વેચાણ કરે છે.
25 થી 30 હજારમાં કરતા હતા પિસ્તોલનું વેચાણ
જેથી પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, બે દેશી તમંચા, 12 બોરનો દેશી તમંચો, છ કારતુસ કબજે કર્યા છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશથી આ હથિયારો 15 થી 20 હજાર માં લાવી અમદાવાદમાં 25 થી 30 હજારના ભાવે વેચતા હતા.
ક્રાઈમ બ્રાન્ચે 5 લોકોની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ બે ગુનાઓ નોંધી હથિયારોનો જથ્થો કબજે કર્યો છે, ત્યારે આરોપીઓ પહેલી વખત જ હથિયાર હેરાફેરી કરતા હોવાની કબુલાત કરી રહ્યા છે. જોકે પોલીસને શંકા છે કે આ પહેલા પણ આરોપીઓ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હથિયારોની હેરાફેરી કરી ચૂક્યા છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જો મહત્વનું છે.