અમદાવાદમાં આસારામના આશ્રમ પર ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા વિચારણા, આશ્રમ ટ્રસ્ટે હાઈકોર્ટમાં કરી અપીલ
અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની અને આયોજન માટેની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં વિશાળ સ્પોર્ટ્સ એન્કલેવ અને ઓલિમ્પિક વિલેજ બનાવવા માટેની તૈયારીઓ આરંભાઈ ગઈ છે. સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક 650 એકર જમીન સરકાર સંપાદિત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમા આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ હાલ જમીન આપવા તૈયાર નથી.
અમદાવાદમાં 2036 ની ઓલિમ્પિક ગેમ્સ યોજાય તેવી ભવિષ્યની યોજનાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારે આ મેગા ઇવેન્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક એક વિશાળ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવાની તૈયારી શરૂ કરી છે. આ યોજના અંતર્ગત અંદાજે 650 એકર જમીન પર ઓલિમ્પિક વિલેજ, કઈંક નવા સ્ટેડિયમ અને રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આસારામના આશ્રમની જમીન પર વિવાદ
સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની જમીન સંપાદન કરવા માટે પ્રયત્નશીલ છે, જેમાં આસારામના આશ્રમની જમીનનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ આ જમીન આપવા તૈયાર નથી અને આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આશ્રમના પ્રવક્તા મુજબ, સરકાર સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી અને તેઓ તેમની સંપત્તિ ગુમાવવાના પક્ષમાં નથી.
આશ્રમ અને અન્ય વિસ્તારો માટે વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા શક્ય?
આ સરકારી પ્રોજેક્ટ હેઠળ આશ્રમની જમીન સિવાય અન્ય સામાજિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો પણ અસર પામે તેવી શક્યતા છે. ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળની જમીન પણ આ સંપાદન પ્રક્રિયામાં સામેલ છે. શિવનગર અને વણજારા વાસ જેવા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવું પડી શકે. જો કે, સરકાર તરફથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આશ્રમ અને અન્ય સંસ્થાઓને વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે અથવા યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
હાઈકોર્ટમાં કેસ, હવે સરકારના નિર્ણય પર નજર
આસારામ આશ્રમની જમીન મુદ્દે હાઈકોર્ટમાં કેસ દાખલ થતાં વિવાદ વધુ તીવ્ર બન્યો છે. જો સરકાર અને આશ્રમ ટ્રસ્ટ વચ્ચે કોઈ સમાધાન ન થાય, તો આ મામલો વધુ લાંબો ખેંચાય તેવી શક્યતા છે. સરકાર કયા પગલાં લે છે અને હાઈકોર્ટ શું ચુકાદો આપે છે, તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
Input Credit- Mihir Soni- Ahmedabad