‘હનુમાન અંશ’ની સુપરહિટ સફર બાદ ભક્તિ ફિલ્મોનો નવો દોર, ‘તેરા સાંઈ’માં સંજય મિશ્રા બનશે સાંઈ બાબા, ખાટુ શ્યામ પર પણ બનશે ફિલ્મ
બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'ફિલ્મે મચાવેલા ધમાકા બાદ આખું બોલિવૂડ હચમચી ગયું છે! હવે મેકર્સ એવા કયા મોટા પ્રોજેક્ટ્સની લાઈન લગાવી રહ્યા છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આખી દિશા જ બદલી નાખી? જાણવા જેવો છે આ મોટો ટ્રેન્ડ.

‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર આવો જ કમાલ કરી બતાવ્યો હતો. હવે આ જ સફળ ટ્રેન્ડ પર આગળ વધતાં અનેક નવી ફિલ્મો પાઇપલાઇનમાં છે. કેટલીક ફિલ્મોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, તો કેટલીક પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. સાંઈ બાબાથી લઈને શ્રી ખાટુ શ્યામજી સુધીના વિષયો પર હવે ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે.
‘હનુમાન અંશ’ની સફળતાથી સિનેમા જગતમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. માત્ર ₹3 કરોડથી ઓછા બજેટમાં બનેલી અને શરૂઆતના સપ્તાહોમાં બહુ ઓછી સ્ક્રીન મેળવનારી આ ફિલ્મે જોતજોતામાં ટિકિટબારી પર ધમાકો મચાવી દીધો. આ નાની ફિલ્મે આખા બોલિવૂડની વિચારસરણી બદલી નાખી છે. ફિલ્મની જબરદસ્ત કમાણી અને વિવેચકોની પ્રશંસા બાદ હવે મેકર્સ મોટા પાયે ધાર્મિક પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છે.
બોલિવૂડમાં સમયાંતરે અલગ-અલગ ટ્રેન્ડ આવતા રહે છે—રોમેન્ટિક, એક્શન, મ્યુઝિકલ કે કોમેડી બાદ લાંબા સમય સુધી સિક્વલ્સનો દબદબો રહ્યો હતો. પરંતુ હવે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય સિનેમાનો ઝુકાવ હિન્દુ પૌરાણિક કથાઓ અને આસ્થા તરફ મજબૂત રીતે વળ્યો છે.
‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ પછી આવી ‘હનુમાન અંશ’
‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે ગયા વર્ષે જબરદસ્ત સફળતા મેળવી ₹100 કરોડથી વધુનો બિઝનેસ કરનારી ગુજરાતની સૌપ્રથમ ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો હતો. આ ફિલ્મની તેલુગુ રિમેક પર હાલ કામ ચાલી રહ્યું છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા માટે અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા અને રામ ચરણ જેવા દિગ્ગજ નામોની ચર્ચા છે.
કરણ જોહર લાવશે રાધા-કૃષ્ણની ગાથા
તાજેતરમાં કરણ જોહરે પણ પુષ્ટિ કરી છે કે રાધા અને કૃષ્ણની અમર પ્રેમગાથા પર આધારિત એક ભવ્ય ફિલ્મ તૈયાર થઈ રહી છે. બીજી તરફ, પીઢ અભિનેતા સંજય મિશ્રા ‘તેરા સાંઈ’ ફિલ્મમાં સાંઈ બાબાનું મુખ્ય પાત્ર ભજવશે. ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ અને પ્રોડ્યુસર શૈલેષ એસ. સંઘવીએ તાજેતરમાં શિરડી ખાતે સાંઈ બાબાના આશીર્વાદ લઈ આ ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ તારીખ 5 ફેબ્રુઆરી, 2027 જાહેર કરી છે.
‘તેરા સાંઈ’ની સ્ટારકાસ્ટ અને રિલીઝ વિગત
પલાશ મુચ્છલ દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મ ‘તેરા સાંઈ’ સાંઈ બાબાના જીવન, વિચારો અને સાર્વત્રિક શાંતિના સંદેશ પર આધારિત છે. ફિલ્મમાં સંજય મિશ્રાની સાથે સયાજી શિંદે, મનોજ જોશી, ઓમકાર દાસ માનિકપુરી, અવિકા ગોર અને રોહન મહેરા પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત મરાઠી, તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે.
View this post on Instagram
શ્રી ખાટુ શ્યામજી પર ભક્તિમય ફિલ્મ
શ્રી ખાટુ શ્યામજીના ભક્તો માટે પણ ‘હારે કા સહારા, બાબા ખાટુ શ્યામ હમારા’ શીર્ષક હેઠળ એક પવિત્ર અને ભક્તિભાવથી સભર ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે વર્ષ 2027માં મોટા પડદે આવશે. આ ઉપરાંત રામાયણ પર આધારિત ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ અને રણબીર કપૂર અભિનીત ‘રામાયણમ્’ જેવા મેગા બજેટ પ્રોજેક્ટ્સ પણ પ્રક્રિયામાં છે.
हारे का सहारा, बाबा खाटू श्याम हमारा
We are proud to announce ‘Haare Ka Sahara, Baba Khatu Shyam Hamara’, a devotional feature film inspired by the sacred and revered story of Shri Khatu Shyam Ji, a timeless symbol of faith, sacrifice and hope.
In association with Select… pic.twitter.com/Ivv1ETCxir
— Abundantia Entertainment (@Abundantia_Ent) September 7, 2026
ધાર્મિક વિષયો તરફ ઇન્ડસ્ટ્રીનું મોટું વળાંક
‘હનુમાન અંશ’ની સુનામીએ સાબિત કરી દીધું છે કે દર્શકો સાચા ભક્તિભાવ અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા સિનેમાને દિલથી આવકારે છે. આ ફિલ્મે ‘ધુરંધર: ધ રિવિન્જ’ને પછાડીને 2026ની સૌથી વધુ કમાણી કરનારી સફળ હિન્દી ફિલ્મનું બિરુદ મેળવ્યું છે.
દક્ષિણ ભારતીય સિનેમામાં પણ રવિ તેજાની બ્લોકબસ્ટર ‘ઇરુમુડી’ ભક્તિ વિષય પર આધારિત હતી. પ્રશંસા પામેલી ‘કૃષ્ણાવતારમ’ ટ્રિલોજીના આગળના ભાગો તેમજ ‘મહાવતાર નરસિંહ’ યુનિવર્સની આગામી કડી ‘મહાવતાર પરશુરામ’ (2027) પણ ઝડપથી તૈયાર થઈ રહી છે. આ સાથે જ ‘હનુમાન અંશ’ની સિક્વલ પર પણ લેખન કાર્ય શરૂ થઈ ગયું છે.
