શોભનાબેન બારૈયા ચૂંટણી પરિણામ 2024
લોકસભાની સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલાના નવા ચહેરાને તક આપી છે. ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય ઠાકોર સમાજના મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. મહિલા ઉમેદવાર શિક્ષિકા છે અને તેઓએ ટિકિટ મળવાને લઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.
ક્ષત્રિય ઠાકોર ઉમેદવાર પર ભાજપે નજર દોડાવી હતી. જે મુજબ અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓમાં સામાજીક અને શિક્ષિત યુવા ચહેરા પર નજર ફેરવવામાં આવી રહી હતી. આ દરમિયાન નવા જ ચહેરાને તક આપવામાં આવી છે.
કોણ છે શોભનાબેન બારૈયા? જાણો
લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યુ છે.