હસમુખ પટેલ ચૂંટણી પરિણામ 2024
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા હસમુખ એસ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદની પૂર્વની લોકસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અમદાવાદ બેઠક પર 1989થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી લોકસભાની 2014ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા. તો 2019માં હસમુખ પટેલે આ બેઠક પરથી જીત નોંધાવી હતી. ત્યારે પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મુક્યો છે.
કોણ છે હસમુખ પટેલ ?
વર્ષ 1960માં જન્મેલા હસમુખ પટેલ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. હસમુખ પટેલે ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે. તો હાલ તેઓ ભારત વિકાસ પરિષદ અમદાવાદના ટ્રસ્ટી પણ છે.
હસમુખ પટેલની રાજકીય સફર
ભાજપે જેમને સતત બીજી વખત લોકસભા માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી છે, એવા હસમુખ પટેલ AMCમાં 2 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે પણ કાર્યરત હતા. હસમુખ પટેલ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.