પ્રભુ વસાવા ચૂંટણી પરિણામ 2024
વર્ષ 2008 માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અને અનુસુચિત જનજાતિ માટે અનામત બારડોલી બેઠક પર વર્ષ 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડો. તુષાર ચૌધરીએ જીત હાંસલ કરી હતી. આ બાદ સતત બે ટર્મ એટલેકે લોકસભા ચૂંટણી 2014 અને લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના પ્રભુ વસાવા મોટી લીડથી વિજયી બન્યા હતા. પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સફળતા બાદ પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યો હતો. આ બાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. તુષાર ચૌધરીને 1,24,895 મતોથી માત આપવામાં સફળ રહ્યા હતા. આ પછી વર્ષ 2019 માં પણ પ્રભુ વસાવાએ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને પરાજિત કર્યા હતા. પ્રભુ વસાવાની ઉમેદવારીથી ભાજપના કેટલાક નેતાઓ નારાજ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.ચર્ચાઓ અનુસાર તેમની બે ટર્મ દરમિયાન તેઓ માંડવીની બહાર ખાસ સક્રિય રહ્યા નથી. કામગીરીની ઢબને લઈ નારાજગી જોવા મળી રહી છે. વિકાસકાર્યોને લઈ હજુ ઘણાં કામ બાકી છે.જોકે તેમની પુનઃ પસંદગી ભાજપને કેટલી ફળે છે તે ઉપર નજર રહેશે. બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની 5 અને તાપી જિલ્લાની બે બેઠકોનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાની બારડોલી, મહુવા , માંડવી ,કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ તાપી જિલ્લાની નિઝર અને વ્યારા વિધાનસભા બેઠકના મતદાર પણ આ બેઠક માટે મતદાન કરે છે. વ્યવસાયે ઈજનેર પ્રભુ વસાવા ઘણી સરકારી ,સામાજિક અને રમત -ગમતની સંસ્થાઓમાં સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે.