ધવલ પટેલ ચૂંટણી પરિણામ 2024
ભાજપે લોકસભા ચૂંટણી માટે વલસાડ મતવિસ્તારથી ધવલ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે ભાજપે સોશ્યલ મીડિયામાં એક્સપર્ટ ધવલ પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી ઉમેદવાર યાદીમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ વલસાડના લોકસભા ઉમેદવારની પસંદગી કરી જેની પાછળ ભાજપની મોટી રણનીતિ છે. વલસાડના વર્તમાન સાંસદ કે સી પટેલને પડતા મૂકીને ભાજપે આદિવાસી નેતા ધવલ પટેલ પર પસંદગી ઉતારી છે. હાલમાં ધવલ પટેલ, ભાજપના રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદાર છે. મહત્વનું છે કે તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડ સ્થાયી થયેલા છે.
વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. મહત્વનું છે કે, ઢોડીયા પટેલ , કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી લોકસભા બેઠક પર ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ સામે ભાજપના ઉમેદવાર ધવલ પટેલની ચૂંટણીના મેદાનમાં ટક્કર થશે.