વિનોદ ચાવડા ચૂંટણી પરિણામ 2024
ભાજપે લોકસભાની ચૂંટણી માટે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા પર પસંદગી ઉતારી છે અને સતત ત્રીજી વખત વિશ્વાસ અને ભરોસો મૂકીને ચૂંટણી લડવાની તક આપી છે. વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. ત્યારે તેમને ફરી એક વાર તક અપાઇ છે. કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર બે ટર્મથી કચ્છના સાંસદ રહેલા વિનોદ ચાવડાને રીપીટ કરાયા છે. હાલમાં કચ્છના સાંસદ ઉપરાંત તેમની કામગીરીને ધ્યાને રાખી વિનોદ ચાવડાને પ્રદેશ ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે પણ સ્થાન અપાયુ છે. પ્રદેશથી લઇ કેન્દ્રીય સંગઠન અને સરકારમાં તેઓ ગુડ બુકમાં રહ્યા છે. સરહદી જીલ્લામાં ભાજપના સાંસદ તરીકે બે ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ વિનોદ ચાવડાએ એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે. કચ્છ જીલ્લા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન તરીકે તેઓ રહ્યા હતા અને ત્યાર બાદ બે ટર્મથી તેઓ કચ્છના સાંસદ તરીકે ચુંટાતા આવ્યા છે. મુળ તેમનું ગામ કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા છે. જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.