તુષાર ચૌધરી ચૂંટણી પરિણામ 2024
સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. નિશા ચૌધરી ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા.
અમરસિંહ ચૌધરી પણ ખેડબ્રહ્મા બેઠક પરથી સળંગ ત્રણ ટર્મ ચૂંટાઇ આવ્યા હતા અને હવે તેમનો પુત્ર આ બેઠક પરથી ધારાસભ્ય છે. આમ ઇતિહાસને જોતા કોંગ્રેસે હવે ફરી એકવાર ચૌધરી પરિવાર પર દાવ ખેલ્યો છે. ડો. તુષાર ચૌધરી અને તેમનો પરિવાર વ્યારાનો છે અને સાબરકાંઠામાં તેમના પરિવારમાથી ચોથા સભ્ય ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે. જેમાંથી ત્રણ સફળ અને એક નિષ્ફળ રહ્યા છે.
ખેડબ્રહ્માથી વિધાનસભા જીત્યા
કોંગ્રેસે લોકસભા 2024 ના ઉમેદવાર તરીકે ડો તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તુષાર ચૌધરી વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા. તુષાર ચૌધરીએ સ્થાનિક દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલને હરાવીને જીત મેળવી હતી. આ સાથે જ તે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે દાવેદાર થવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તુષાર ચૌધરી બેઠકના ઉમેદવાર તરીકે દાવેદાર હોવાનું ચર્ચામાં હતું. ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરીની પિતા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી વર્ષ 1995, 1998 અને 2002 માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2007, 2012 અને 2017 માં અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા બેઠક પરથી વિજયી રહ્યા હતા. હવે કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને હરાવીને વિધાનસભામાં જીત મેળનારા તુષાર ચૌધરી સાબરકાંઠાની બેઠકમાં ટક્કર મજબૂત બનાવશે.
58 વર્ષના તુષાર ચૌધરીએ પ્રથમ વાર ચૂંટણી 2002 માં વ્યારા બેઠક પરથી લડી હતી અને જીત મેળવી હતી. ત્યારબાદ યુવા ચહેરા તરીકે તત્કાલીન માંડવી લોકસભા બેઠક પરથી મેદાને ઉતરતા જીત નોંધાવી હતી. 2009માં તેઓ બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આમ ટૂંકા સમયમાં બે વાર સાંસદ અને એક વાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
2009 થી 2012 સુધી તેઓ રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન રહ્યા હતા. તેઓ માર્ગ અને વાહનવ્યવહાર પ્રધાન રહ્યા હતા. જોકે વર્ષ 2014 અને 2019માં સળંગ બંનેવાર તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. આ દરમિયાન 2017માં મહુવા વિધાનસભા બેઠક પરથી હાર મેળવી હતી. આમ લાંબા સમયબાદ 2022 માં તુષાર ચૌધરીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.