અમિત ચાવડા ચૂંટણી પરિણામ 2024
47 વર્ષીય અમિત ચાવડા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેમનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો.તેઓ આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ગુજરાત વિધાનસભાના સભ્ય પણ છે. છેલ્લી ચાર ટર્મથી તેઓ વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાતા આવે છે. મધ્ય ગુજરાતમાંથી આવતા આ યુવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા પર અત્યાર સુધીમાં એકપણ ગુનાહિત કૃત્યનો કેસ નોંધાયેલો નથી.જેના કારણે જવાબદારી માટે પાર્ટીની હંમેશા પહેલી પસંદ બની રહે છે.
અમિત ચાવડા મૂળ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહેવાસી છે. અમિત ચાવડા પોતે ખેડૂત પુત્ર છે અને મધ્ય ગુજરાતમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા છે. તેમના પિતાનું નામ અજિતભાઇ ચાવડા છે. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ સભ્ય હતા. જ્યારે ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. અમિત ચાવડા પ્રથમ વખત 2004માં બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો કારભાર મળ્યો હતો. તેમનો અભ્યાસની વાત કરીએ તો, તેઓ કેમિકલ એન્જિનિયર છે. વર્ષ 1995માં તેમણે કેમિકલ એન્જિનિયર તરીકેની પદવી મેળવી હતી. અમિત ચાવડાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો સૌથી પહેલા સંગઠન અને બાદમાં ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે આવ્યા. સૌથી પહેલા 2004માં ભરતસિંહ સોલંકી લોકસભામાં જીત્યા ત્યારે બોરસદની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.
બાદમાં 2007માં બોરસદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. બાદમાં 2012 અને 2017માં આંકલાવ બેઠક પરથી સતત બે ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. અમિત ચાવડા એ કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. અમિત ચાવડા મધ્ય ગુજરાતમાં પોતાની આગવી ઓળખ અને જનસંપર્ક માટે જાણીતા છે. અમિત ચાવડા અત્યારે મધ્ય ગુજરાતની અંકલાવ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા છે.હવે તેઓ આણંદ બેઠક પર લોકસભા ચૂંટણી લડવાના છે