ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી (political party) પ્રચાર કરી મતદારોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે TV9ની વિશેષ રજૂઆતમાં આજે જામનગરની ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરીશું. જામનગર ગ્રામ્ય આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ અહીં કોંગ્રેસમાંથી (Congress) પક્ષ પલટાની સૌથી વધુ અસર જોવા મળી છે. પક્ષ પલટો કોંગ્રેસનો નડ્યો છે, તો ભાજપને ફળ્યો છે. ખેડૂત મતદારો ધરાવતી આ બેઠક પર અત્યાર સુધી 11 વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં 7 વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપનો(BJP) વિજય થયો છે. અહીં 1975થી 1980 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, તો 2012 અને 2017માં પણ કોંગ્રેસે મેદાન માર્યું. તો બીજી તરફ ભાજપને જે ચૂંટણીમાં જીત મળી છે તે કોંગ્રેસના પક્ષપલટો કરેલા નેતાઓને જ આભારી છે.
જામનગર ગ્રામ્ય એક એવી બેઠક છે જ્યાંથી જીતીને ભાજપના ઉમેદવારોને કેબિનેટમાં (Cabinet) સ્થાન મળ્યું. આર.સી.ફળદુ હોય કે પછી રાઘવજી પટેલ આ બંને નેતાઓ ચૂંટણી જીત્યા અને કૃષિપ્રધાન બન્યા. જોકે બે-બે કૃષિપ્રધાનો આપ્યા હોવા છતાં આ વિસ્તારના ખેડૂતો (Farmer) અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં જમીનના સર્વેની વાત હોય કે પછી ટેકાના ભાવની. વર્ષ 2012 અને 2017માં આ બેઠક કોંગ્રેસે જીતી હતી. જોકે 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે કબજો જમાવ્યો હતો.તો વર્ષ 2022ના સત્તાના સમીકરણો અલગ છે, ખેડૂત મતદારોનો (Voters) કેવો છે મિજાજ અને આ વખતે મતદારો કોને પહેરાવશે સત્તાનો તાજ, આવો જાણીએ.
જો જામનગરની આ બેઠકના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો અહીં મુસ્લિમ મતદારો 18.42 ટકા છે, તો લેઉઆ પટેલ મતદારો 13.98 ટકા, કડવા પટેલ મતદારો 9.19 ટકા, ક્ષત્રિય મતદારો 9.14 ટકા અને SC-ST મતદારો 9.01 ટકા છે.
વર્ષ 2019ના ‘પેટા’ પરિણામની વાત કરીએ તો ભાજપના રાઘવજી પટેલને (Raghavji patel) 88,254 મત મળ્યા, તો કોંગ્રેસના જયંતી સભાયાને 55,232 મત મળ્યા.જેથી ભાજપે 33 હજાર મતોથી જીત હાંસલ કરી હતી. વર્ષ 2017ના ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો
ભાજપના રાઘવજી પટેલને 64,353 મત મળ્યા, તો કોંગ્રેસના વલ્લભ ધારાવીયા 70,750 મત મળ્યા. જેથી કોંગ્રેસે 5,750 મતે જીત મેળવી. જો 2012ની ચૂંટણીનું પરિણામ જોઈએ તો ભાજપના આર.સી.ફળદુને 57,195 મત મળ્યા, તો કોંગ્રેસના રાઘવજી પટેલને 60,499 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે 3,304 મતેથી સત્તા મેળવી.