Gujarat Election 2022: હીરા બા અંગેની ટીપ્પણી મુદ્દે ગોપાલ ઇટાલિયા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના પરસ્પર વાકપ્રહાર
દિલ્લીથી ગોપાલ ઇટાલિયા આજે સીધા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી ખોડલધામ દર્શન કરવા માટે રવાના થયા છે. તેમણે નિવેદન કર્યું હતું કે ભાજપના લોકો કામકાજનો હિસાબ નથી આપી શકતા એટલે વીડિયો બતાવે છે.
ગત રોજ દિલ્લી ખાતે અટકાયત થયા બાદ આજે AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal Italia ) દિલ્લીથી રાજકોટ (Rajkot) પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે તેમણે ભાજપ ઉપર આકરા વાકપ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર પાટીદાર વિરોધી છે અને મને નહીં પાટીદાર સમાજને ટાર્ગેટ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત ભાજપ (BJP) પુરાતત્વ વિભાગની જેમ મારૂ બધું જ શોધવામાં આવી રહ્યું છે. ભાજપના લોકો કામકાજનો હિસાબ નથી આપી શકતા એટલે વીડિયો બતાવે છે અને અગાઉ અનેક લોકો બેફામ નિવેદનો કરી રહ્યા છે. દિલ્લીથી ગોપાલ ઇટાલિયા આજે સીધા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી ખોડલધામ દર્શન કરવા માટે રવાના થયા છે.
વડાપ્રધાનના માતા હીરા બા અંગે ટીપ્પણી કરતો વીડિયો વાયરલ
હજી એક વિવાદિત વીડિયોમાંથી છૂટકારો નથી મળ્યો ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા હીરા બાને ટાર્ગેટ કરીને આપત્તિજનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે.
ગોપાલ ઇટાલિયા અને સ્મૃતિ ઇરાની વચ્ચે છેડાયું વાક યુદ્ધ
ગોપાલ ઇટાલિયાના વીડિયો અંગે સ્મૃતિ ઇરાની એ ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ 100 વર્ષીય હીરાબાને પણ પોતાની નફરતની રાજનીતિથી બાકાત ન રાખ્યા. ગુજરાત જેવા સભ્ય સમાજમાં AAP અને તેની વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી. સ્મૃતિ ઈરાનીના આ ટ્વીટ પર ગોપાલ ઈટાલિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે- સ્મૃતિ ઈરાની તેમના જૂના વીડિયો પોસ્ટ કરે છે, પરંતુ તેઓ પોતે ગેસના બાટલા લઈને રોડ ઉપર દેખાવો કરતા હતા.