Gujarat Election 2022: એક એવી બેઠક જ્યાં મહિલા મતદારો બનશે નિર્ણાયક, અહીં ખાસ 7 પોલિંગ સ્ટેશનની કરાઇ રચના
ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની આ 177 નંબરની બેઠક છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસનું ગઢ ગણાતી આ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાત કરીએ એક એવી બેઠકની જ્યાં મહિલા મતદારોનું વર્ચસ્વ છે. એક એવી બેઠક જ્યાં મહિલાઓના મત નિર્ણાયક રહેશે. વાત છે નવસારીની વાંસદા બેઠકની જ્યાં પુરૂષ કરતા મહિલા મતદારો વધારે છે. સામાન્ય રીતે જાતીય અસમાનતાના કારણે મોટાભાગના સ્થળો પર મહિલા કરતા પુરૂષ મતદારો વધારે જોવા મળતા હોય છે. પરંતુ વાંસદા બેઠક પર પુરૂષ કરતા મહિલા મતદારોની સંખ્યા 5 હજારથી વધુ છે. તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકામાં 1 લાખ 47 હજાર 146 પુરૂષ મતદારો છે. જ્યારે 1 લાખ 52 હજાર 399 મહિલા મતદારો છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક સાબિત થશે. વાંસદામાં 7 જેટલા સખી પોલિંગ સ્ટેશનની રચના કરવામાં આવી છે. આ 7 સખી પોલિંગ સ્ટેશનમાં મહિલાઓ ફરજ બજાવશે.
ગુજરાત ઇલેકશન 2022 :રાજકીય ઈતિહાસ
1962થી 2017 સુધી વાંસદા વિધાનસભામાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. વાંસદા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં 13 પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. અત્યાર સુધી વાંસદા બેઠક પર ભાજપ માત્ર 1 વખત જ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતુ. 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી. 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.
વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતા. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.
ગુજરાત ઇલેકશન 2022 :વાંસદામાં કયા વર્ષની ચૂંટણીમાં કોણ જીત્યું ?
| વર્ષ | ધારાસભ્ય | રાજકીય પક્ષ |
| 2017 | અનંત પટેલ | કોંગ્રેસ |
| 2012 | છનાભાઈ ચૌધરી | કોંગ્રેસ |
| 2007 | વિજયભાઈ પટેલ | ભાજપ |
| 2002 | માધુભાઈ ભોયે | કોંગ્રેસ |
| 1998 | માધુભાઈ ભોયે | કોંગ્રેસ |
| 1995 | માધુભાઈ ભોયે | કોંગ્રેસ |
વાંસદા વિધાનસભામાં મતદારો
વાંસદા વિધાનસભા બેઠક પર વર્ષ 2022 મુજબ કુલ 295850 મતદારો છે. જેમાંથી 145707 પુરુષ મતદારો અને 150143 મહિલા મતદારો છે.
ગુજરાત ઇલેકશન 2022 : જાતિગત સમીકરણ
ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામો, ચીખલી તાલુકાના 36 ગામો અને ખેરગામ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.