Gujarat Election 2022 : આજથી ભાજપની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ નો પ્રારંભ, 144 વિધાનસભા બેઠક ખૂંદશે ભાજપના નેતાઓ
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ભાજપ (Gujarat BJP) પણ સત્તા કાયમી રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) મિશન 182ના મિશનને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ (BJP) દ્વારા એક પછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું (Gujarat Gaurav Yatra) આયોજન કર્યું. આ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J. P. Nadda) બે જગ્યાએથી યાત્રા શરૂ કરાવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ યાત્રાનો કરાવશે પ્રારંભ
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા સવારે 11 કલાકે બહુચરાજી માતાના મઢથી પ્રારંભ કરવામાં આવશે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ત્રણ જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે. ગૃહપ્રધાન અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી 5 કેન્દ્રીય પ્રધાનોને (Union Minister) આપવામાં આવી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
ચૂંટણી માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે,ત્યારે આ વખતે ભાજપ (Gujarat BJP) પણ સત્તા કાયમી રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ભાજપ 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજાશે. જો વિગતે વાત કરીએ તો આ યાત્રાનો બહુચરાજી અને દ્વારકાથી પ્રારંભ થશે. બહુચરાજીથી માતાના મઢ સુધી આ યાત્રા જશે. તો બીજી બાજુ દ્વારકાથી પોરબંદર (Porbandar) સુધી યાત્રા યોજાશે. તમને જણાવી દઈએ કે, આ ગૌરવ યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. પ્રથમ તબક્કાની યાત્રા 9 દિવસમાં 9 જિલ્લામાંથી પસાર થશે.
તો બીજા ચરણની યાત્રા 13 જિલ્લાની 35 બેઠકોમાં ફરશે. તેમજ ત્રીજા ચરણમાં 31 બેઠકોમાં 1068 કિમીનું અંતર કાપવામાં આવશે. અને ચોથા તબક્કામાં 21 મતવિસ્તારો પર ધ્યાન આપશે ભાજપ. તો અંતિમ તબક્કાની યાત્રામાં 9 જિલ્લાની 24 બેઠકોમાંથી આ યાત્રા પસાર કરવામાં આવશે. એટલું જ નહીં એક યાત્રાને બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યુ છે, એટલે કહી શકાય કે આદિવાસી વોટબેંક પર પણ હાલ ભાજપની નજર છે.