Gujarat Assembly Election 2022: ભાજપનો માસ્ટર પ્લાન, 12 ઓકટોબરથી શરૂ થતી ગૌરવ યાત્રામાં 145 જાહેર સભાઓ યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને તમામ રાજકીય પક્ષો રાજકીય પ્રવુતિઓમાં વ્યસ્ત છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ(BJP)12 ઓક્ટોબરથી 'ગુજરાત ગૌરવ યાત્રા'નું(Gujarat Gaurav Yatra) આયોજન કર્યું છે. આ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને તમામ રાજકીય પક્ષો રાજકીય પ્રવુતિઓમાં વ્યસ્ત છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ(BJP)12 ઓક્ટોબરથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું(Gujarat Gaurav Yatra) આયોજન કર્યું છે. આ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે. 12 અને 13 ઓક્ટોબરે 5 જગ્યાએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. 12 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે જગ્યાએથી યાત્રા શરૂ કરાવશે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ ત્રણ જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ 9 દિવસોમાં 9 કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં જોડાશે અને આખો દિવસ યાત્રામાં વિતાવશે. આ ક્રમમાં 12 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. જ્યારે 13 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન યાત્રામાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 14 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 15 ઓક્ટોબરે જોડાશે. 16 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાણ યાત્રામાં જોડાશે. 17મીએ સમગ્ર પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ સામેલ થશે. પ્રહલાદ જોશી 18 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. 19 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ યાત્રામાં જોડાશે અને છેલ્લા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે.
5734 કિલોમીટરની યાત્રામાં 144 વિધાનસભા થશે, 145 જાહેરસભા થશે
ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી ગુજરાત મૂળના 5 કેન્દ્રીય મંત્રીઓ પર રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને પુરૂષોત્તમ રૂપાલા જવાબદારી નિભાવશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન કુલ 145 જાહેર સભાઓ યોજાશે. પાંચ યાત્રાઓની શ્રેણીમાં પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થતા 9 દિવસમાં 9 જિલ્લાની 33 વિધાનસભાઓને આવરી લેતી કુલ 1730 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરે સવારે 11 કલાકે બહુચરજી માતાના દરબારથી શરૂ થશે.
જ્યારે આ શ્રેણીની બીજી યાત્રા 13 ઓક્ટોબરથી શરૂ થશે, જે 13 જિલ્લાની 35 વિધાનસભાની મુલાકાત લઈને કુલ 990 કિમીનો પ્રવાસ કરશે. ત્રીજી યાત્રા 14 જિલ્લાના 31 વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 1068 કિલોમીટરનું અંતર કાપશે. ચોથી યાત્રા 876 કિલોમીટરની મુસાફરી કરીને 21 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. પાંચમી અને અંતિમ યાત્રા કુલ 1070 કિમી કવર કરશે અને 9 જિલ્લાની 24 વિધાનસભાઓમાંથી પસાર થશે. આ તમામ મુલાકાતો 20 ઓક્ટોબરે પૂરી થશે અને સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે એક મોટી રેલીને સંબોધિત કરશે. જો કે આ રેલીની સત્તાવાર જાણ કરવામાં આવી નથી, પરંતુ પાર્ટીના સૂત્રો કહે છે કે તે અમદાવાદ અથવા ગાંધીનગરમાં રેલીયોજવામાં આવી શકે છે.