West Bengal Breaking News: મતગણતરી પહેલાં VVPAT સ્લિપ મળી આવતાં રાજકીય ગરમાવો, ચૂંટણી આયોગે આપી સ્પષ્ટતા
પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલાં રસ્તા પરથી VVPAT સ્લિપ મળી આવતાં રાજકીય હલચલ મચી ગઈ છે. ચૂંટણી આયોગે જણાવ્યું કે આ સ્લિપ ‘મોક પોલ’ની છે, સાચા મત સાથે તેનો કોઈ સંબંધ નથી.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં VVPAT પર્ચીઓ મળવાથી રાજકીય પક્ષોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. CPI(M)એ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના તૃણાંકુર ભટ્ટાચાર્ય, ભાજપના અર્જુન સિંહ અને CPI(M)ની ઉમેદવાર ગારગી ચટર્જી ચૂંટણી મેદાનમાં છે.
પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં મતગણતરી પહેલાં VVPAT પર્ચીઓ મળતાં હડકંપ મચ્યો હતો. માહિતી મુજબ મધ્યમગ્રામ વિધાનસભા ક્ષેત્ર હેઠળ ઇચ્છાપુર-નિલગંજ પંચાયતના સુભાષનગર વિસ્તારમાં આ પર્ચીઓ કથિત રીતે ફેંકેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. આ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના તૃણાંકુર ભટ્ટાચાર્ય અને ભાજપના અર્જુન સિંહ વચ્ચે ટક્કર છે. આ મુદ્દે ચૂંટણી આયોગે પણ પોતાની સ્પષ્ટતા આપી છે.
UPDATE | Election Commission says, “Upon examination, it has been found that the VVPAT paper slips shown are related to mock poll done before poll day and are not related to the actual poll conducted on the day of voting. Further, a detailed enquiry has been initiated, and a… https://t.co/jQL7cTJ3of
— ANI (@ANI) May 3, 2026
સ્થળ પર પહોંચી CPI(M) ઉમેદવાર
VVPAT પર્ચીઓ મળ્યાની માહિતી મળતાં જ CPI(M)ની ઉમેદવાર ગારગી ચેટર્જી સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે ચૂંટણી આયોગ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ગારગીએ કહ્યું કે આ હવે ‘ચૂંટણી આયોગ’ નહીં પરંતુ ‘દમનકારી આયોગ’ બની ગયું છે. તેમના જણાવ્યા મુજબ, મળેલી પર્ચીઓમાં સૌથી વધુ તેમના નામની પર્ચીઓ છે, જ્યારે કેટલીક ભાજપ અને કેટલીક તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારની છે.
ચૂંટણી આયોગ પર બેદરકારીનો આરોપ
ગારગી ચટર્જીએ જણાવ્યું કે તેમના એક કાર્યકરે આ પર્ચીઓ જોઈ અને તેમને જાણ કરી. ત્યારબાદ તેમણે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ને માહિતી આપી, પરંતુ આયોગે આ મામલાને ગંભીરતાથી લીધો નથી. તેમણે માંગ કરી કે જ્યાં સુધી EVM મશીનોની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી મતગણતરી શરૂ ન કરવી જોઈએ. સાથે જ તેમણે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી છે.
શું બોલ્યા ભાજપ નેતા?
ભાજપ નેતા લૉકેટ ચટર્જીએ કહ્યું કે સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા છે, તો પછી મધ્યમગ્રામમાં VVPAT પર્ચીઓ કેવી રીતે પહોંચી? તેમણે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે BDO અને પોલીસ આ પર્ચીઓને લઈ જઈ રહ્યા હતા, પરંતુ ભાજપના કાર્યકરોએ તેમને અટકાવ્યા બાદ આ મામલો સામે આવ્યો.
‘મોક પોલ’ની પર્ચીઓ હોવાનું દાવો
આ મામલે નોર્થ 24 પરગણાના જિલ્લા ચૂંટણી અધિકારીએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ VVPAT પર્ચીઓ મતદાન પહેલાં કરવામાં આવેલા ‘મોક પોલ’ની છે અને વાસ્તવિક મતદાન સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં, સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલુ છે અને સત્તાવાર ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
