Mousambi Farming: ભારતમાં સફરજન, દાડમ, જામફળ, કેરી, કેળા, પપૈયા, નારંગી સહિત અનેક પ્રકારના ફળોની ખેતી થાય છે. તેમાંથી ઘણા ફળો મોસમી પાકે (Fruit Crop) છે, જ્યારે કેટલાક ફળો સમગ્ર વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ હોય છે. તમામ ફળોને પોતાની ફ્લેવર અને સ્વાદ હોય છે, જે તેને અલગ ઓળખ આપે છે. બારે માસ મળતા ફળોમાં એક છે મોસંબી જે આખા વર્ષ બજારમાં ઉપલબ્ધ હોય છે. મોસંબીનો ઉપયોગ મોટાભાગે જ્યુસના રૂપમાં થાય છે.
મોસંબીમાં ઘણા પોષક તત્વો અને વિટામિન હોય છે, જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે ડોક્ટર ઘણા દર્દીઓને મોસંબીનો જ્યુસ પીવાની સલાહ આપે છે. મોસંબીમાં ઝીંક, ફાઈબર, કોપર, વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે. મોસંબીનો જ્યુસ પીવાથી શરીરની ઈમ્યુનિટીમાં વધારો થાય છે. આમ અનેક લાભકારી ગુણો હોવાથી બજારમાં તેની હંમેશા માગ રહે છે. આ કારણોથી જ જો ખેડૂતો મોસંબીની ખેતી કરે તો તેઓ સારી કમાણી કરી શકે છે.
મોસંબી એ લીંબુ પ્રજાતિનું ફળ છે જે કદ અને આકારમાં નારંગી જેવું લાગે છે. દેશના ઘણા રાજ્યો જેવા કે કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ખેડૂતો દ્વારા તેની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત હવે બિહાર અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ મોસંબીની ખેતી શરૂ કરી છે.
આ પણ વાંચો : Success Story: લીલા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી મહિને 2 લાખ રૂપિયાની કમાણી કરે છે આ ખેડૂત
મોસંબીની ખેતી દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે, પરંતુ રેતાળ જમીનમાં વધારે ઉત્પાદન મળી શકે છે. ઉનાળાની સિઝનમાં મોસંબીના છોડને 15-20 દિવસના અંતરે પિયત આપવાની જરૂરિયાત રહે છે. ખેડૂતો મોસંબીમાં જો ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરશે તો પાણીની બચત થશે અને ઈનપુટ કોસ્ટમાં ઘટાડો કરી શકે છે.
મોસંબીના છોડની વાવણી કર્યા પછી તેમાં ત્રીજા વર્ષે ફળ આવવાનું શરૂ થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તેની કાળજી લેવામાં આવે તો લગભગ 5 વર્ષ પછી મોસંબીમાં બમ્પર ઉત્પાદન મળવાનું શરૂ થાય છે. મોસંબીના એક ઝાડમાંથી અંદાજીત 50 કિલો ફળનો ઉતારો આવે છે. જો કોઈ ખેડૂત 100 છોડનું વાવેતર કરે છે તો 5 વર્ષ બાદ લગભગ 50 ક્વિન્ટલ જેટલું ઉપ્તાદન મેળવી શકે છે. રોગ-જીવાતના નિયંત્રણ માટે તેમાં સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.